ગુજરાતમાં તહેવારોની મોસમ આવી છે. જેમાં નવરાત્રિ પૂર્ણ થતા દિવાળીથી ઉત્સવોની શરૂઆત થઇ જાય છે. તેમજ વેકેશનનો માહોલ પણ જામશે. જેમાં દિવાળીમાં નોકરિયાતવર્ગ અને વેપાર-ધંધા માટે બિજા શહેરોમાં વસવાટ કરતા લોકો દિવાળીના રજાઓમાં ચોક્કસ ઘરે જતા હોય છે. ત્યારે વેકેશન પહેલા સૌરાષ્ટ્રમાં એડવાન્સ બુકિંગમાં વધારો જોવા મળી રહ્યો છે. એસટી બસને દિવાળીના પહેલા જ 1 કરોડથી વધુની આવક થઈ છે.
સૌથી વધુ બુકિંગ ભાવનગરમાં થયુ
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી બાદ દિવાળી આવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ખરીદી કરવા માટે લોકોની બજારોમાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે. તેમ પ્રવાસનું આયોજન પણ લોકો કરી રહ્યાં છે. તેમાં સૌથી વધુ બુકિંગ ભાવનગરમાં 433 બસો અને અમરેલીમાં 298 બસોનું એડવાન્સ અને ગ્રુપ બુકિંગ થઈ ચૂક્યું છે. સાથે જ બોટાદ 66, ગીરસોમનાથ 29, મહેસાણા 17, પાટણ 13 સહિત અન્ય મળી કુલ 895 બસોનું ગ્રુપ બુકીંગ અને એડવાન્સ બુકીંગમાં વધારો નોંધાયો છે. કોરોનાકાળ પછી એસટીનો પ્રવાસ વધ્યો હોવાથી આવક અને પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.
રૂપિયા એક કરોડ 40 લાખ જેટલી આવક થઈ
ગત વર્ષ 1421 વધારાની બસો દોડાવવામાં આવી હતી. રૂપિયા 2 કરોડની આસપાસ એસટી નિગમને આવક થઈ હતી. જ્યારે આ વર્ષે દિવાળીના 10 દિવસ પહેલા જ 895 જેટલી બસોમાં 1 લાખ જેટલી સીટો બુક બુક થઈ ગઈ છે. રૂપિયા એક કરોડ 40 લાખ જેટલી આવક થઈ છે. એસટી નિગમ દ્વારા દિવાળી પહેલા જ 19 થી 24મી દરમિયાન એક્સ્ટ્રા બસો ઉપાડવાનું આયોજન કર્યું છે, જ્યારે દિવાળી પહેલા જ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતીઓ વતન જવા એસટી બસ સેવાનો વધુ લાભ લેતા થયા છે.