ઊંઝામાંથી રૂ.12 લાખની અખાદ્ય કલર યુક્ત ભેળસેળવાળી વરીયાળી જપ્ત
- ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણાની કાર્યવાહી
- ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર કોશિયાની બાતમી
ઊંઝા, 10 મે : મહેસાણાના ઊંઝામાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા એક પેઢીમાંથી રૂ.12 લાખનો ભેળસેળ યુક્ત અખાદ્ય વરિયાળીનો જથ્થો મળી આવ્યો હતો. જેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ બાકીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો.એચ.જી કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે વખતો વખત કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા વર્તુળ કચેરી દ્વારા ઊંઝા તાલુકામાં ભેળસેળ વાળી વરિયાળી બનાવતી પેઢીની માહિતી મળતા તે પેઢીની બે દિવસ સુધી રેકી કરેલ અને ત્યારબાદ માહિતીની ખાતરી થયા બાદ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન ઊંઝામાં એસ.એલોન પાછળ હાઇવે ઉપર મ્યુ.સે.નંબર 1/10/43માં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં તપાસ દરમિયાન પેઢીમાં હાજર વ્યક્તિ રાજપૂત નારણસિંહ પહાડજી દ્વારા તેઓ પોતે પેઢીના જાતે માલિક હોવાનું જણાવતાં તેઓની હાજરીમાં ઝીણવટ ભરી તપાસ કરતાં પેઢીમાં જોવા મળેલ અખાદ્ય લીલો કલર અને વરિયાળીના આધારે વરીયાળીનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતાં ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા કુલ ૨ (બે) નમુના, ૧) વરિયાળી (લુઝ) અને ૨) અખાદ્ય લીલો કલર (લુઝ) પૃથક્કરણ સારૂં વેચાણ લેવામાં આવેલ હતા.
આ કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું હતું કે, પેઢીના ભાડા કરાર મુજબ છેલ્લા ૫ દિવસથી જ કાર્યરત કરવામાં આવેલ હતી અને સ્થળ ઉપર કોઈ પણ પ્રકાર ના ખરીદ કે વેચાણ બિલ મળેલ નથી. જેથી બાકી રહેલ આશરે ૧૨ ટન જથ્થો કે જેની કિંમત રૂ.૧૨ લાખથી વધુ થવા જાય છે તે તમામ જથ્થો જપ્ત કરવામાં આવેલ છે. આ તમામ ઉપરોક્ત નમુના પૃથક્કરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ નમુનાના પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસર ની કોર્ટ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.