ઠંડીમાં માઈગ્રેનની સમસ્યા માટે અપનાવો ઘરેલું ઉપાય, મળશે આરામ
- કડકડતી ઠંડીમાં માઈગ્રેનની સમસ્યા વકરી જાય છે, આવા સંજોગોમાં તમે કેટલાક ઘરગથ્થુ ઉપાયોથી તેમાં ઘણી રાહત મેળવી શકો છો
HD ન્યુઝ ડેસ્કઃ માઈગ્રેન એ ખૂબ જ પીડાદાયક સ્થિતિ છે અને ઠંડા હવામાનમાં આ સમસ્યા વકરી શકે છે. શરદીને કારણે સાઈનસ અને નાક બંધ થવા જેવી સમસ્યાઓ પણ માઇગ્રેનને વધારી શકે છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઘણા ઘરગથ્થુ ઉપચાર છે જે માઈગ્રેનને દૂર કરવામાં મદદ કરી શકે છે. અહીં કેટલાક કુદરતી ઉપાય જણાવાયા છે, જે શિયાળામાં માઈગ્રેનથી રાહત અપાવવામાં મદદરૂપ થઈ શકે છે.
આદુવાળી ચા
શિયાળામાં આદુવાળી ચા પીવાથી માઈગ્રેનથી રાહત મળે છે. તમે એક કપ ગરમ પાણીમાં આદુના નાના-નાના ટુકડા ઉમેરી, તેને ઉકાળીને ચા તરીકે પી શકો છો. આ ચા માઈગ્રેનથી રાહત આપે છે અને શરીરને ગરમ પણ રાખે છે.
તુલસીનો ઉકાળો
ઠંડીની ઋતુમાં તુલસીનો ઉકાળો પીવાથી માઈગ્રેનના દુખાવામાં રાહત મળે છે. ઉકાળો બનાવવા માટે તમે તુલસીના કેટલાક પાન ઉકાળી, તેમાં મધ અને લીંબુનો રસ નાખીને પી શકો છો. આ રેસીપી માત્ર માઈગ્રેનથી રાહત નથી આપતી પણ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
નાસ લેવો
માઈગ્રેન ક્યારેક સાઈનસ અથવા નાક બંધ હોવાના કારણે પણ થઈ શકે છે. શિયાળામાં આ સમસ્યા વધવાનું જોખમ વધારે હોય છે. આવી સ્થિતિમાં સ્ટીમ લેવી એ સારો ઉપાય છે. સ્ટીમ લેવાથી નાક સાફ થાય છે અને માથાના દુખાવામાં પણ રાહત મળે છે.
આ પણ વાંચોઃ જમવાનો સ્વાદ વધારી દેશે કસૂરી મેથી, આ રીતે બનાવીને કરો સ્ટોર
આ પણ વાંચોઃ મહાકુંભમાં ત્રીજું શાહી સ્નાન ક્યારે છે? જાણો કુંભમાં કેટલા શાહી સ્નાન થશે?