અમદાવાદ, 02 જુલાઈ 2024, રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદમાં 500 જેટલી પ્રિ-સ્કૂલ BU પરમિશન અને ફાયર સેફ્ટીના સાધનોના અભાવે સીલ કરવામાં આવી છે. આ મુદ્દે પ્રિ-સ્કૂલ સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. પ્રિ-સ્કૂલ સંચાલકો આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા હતા. સંચાલકોએ હાથમાં બેનર સાથે વિરોધ કર્યો હતો. અમદાવાદમાં આવેલી પ્રિ-સ્કૂલોમાંથી 70 ટકા પ્રિ-સ્કૂલ સીલ કરવામાં આવી છે.કોઈની પાસે ઇમ્પેક્ટ અને ફાયર સેફ્ટીના કાગળ હોય છતાં સ્કૂલો બહારથી સીલ મારવામાં આવી છે. સ્કૂલો સીલ થવાથી આજીવિકા અને બાળકોને ભણતર પર અસર પડે છે.
200 જેટલા પ્રિ-સ્કૂલ સંચાલકો અને શિક્ષકો ભેગા થયા
આજે સાબરમતી રિવરફ્રન્ટ પર 200 જેટલા પ્રિ-સ્કૂલ સંચાલકો અને શિક્ષકો ભેગા થયા હતા. રિવરફ્રન્ટ પર હાથમાં બેનર સાથે સંચાલકો અને શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો. સંચાલકોએ પ્રિ-સ્કૂલ ખોલવા તથા BU પરમિશન માટે સમય આપવા માગ કરી છે. સંચાલકોનું કહેવું છે કે, 500 જેટલી પ્રિ-સ્કૂલ સીલ કરવામાં આવી છે. જેમાં 5000 કરતા વધુ શિક્ષકો કામ કરે છે. તેમની રોજગારી અત્યારે જોખમમાં છે. પ્રિ-સ્કૂલમાં 50 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા જે અભ્યાસ પણ અત્યારે બંધ થયો છે. સ્કૂલ સીલ રહેશે તો વિદ્યાર્થીના ભવિષ્ય પર સવાલ ઉભા થશે. BU પરમિશન માટે સમય આપવો જોઈએ. ફાયર સેફ્ટીના નિયમોના પાલન સાથે સ્કૂલ શરૂ કરવા દેવી જોઈએ.
એજ્યુકેશનલ BU પરમિશન મેળવવી મુશ્કેલ
સંચાલકોએ જણાવ્યું હતું કે, રાજકોટની ઘટના બાદ પ્રિ-સ્કૂલ સીલ કરવામાં આવી છે. સરકાર SOP સામાન્ય સ્કૂલની જેમ નહીં પરંતુ પ્રિ-સ્કૂલ માટે નાના બાળકોને ધ્યાનમાં રાખીને બનાવે. મોટાભાગની સ્કૂલો પાસે કોમર્શિયલ અને રેસિડેન્સિયલ BU પરમિશન છે તો એજ્યુકેશનલ BU પરમિશન મેળવી મુશ્કેલ છે. જેથી તેમાં રાહત આપવી જોઈએ. મોટાભાગની સ્કૂલો મહિલાઓથી જ ચાલી રહી છે. જેના કારણે અનેક મહિલાઓની રોજીરોટી સ્કૂલ પર આધારિત છે. 70% સ્કૂલ અત્યારે બંધ છે. પ્રિ-સ્કૂલ સીલ થવાથી જે બાળકોએ નજીકની સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તેમની અભ્યાસ પર પણ અસર થઈ છે.આ અંગે અમે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, AMC સહિતની જગ્યાએ રજૂઆત કરી છે.
આ પણ વાંચોઃBSNLના પૂર્વ કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી, રિવાઇઝ પેન્શન મુદ્દે વિરોધ કર્યો