આદિત્ય L-1 તેની મંજિલની ખૂબ નજીક: એસ. સોમનાથ
- ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય એલ-1 6 જાન્યુઆરીએ તેની મંજિલ એટલે કે લેગ્રાંગિયન પોઈન્ટ પર પહોંચશે: એસ. સોમનાથ
અમદાવાદ, 23 ડિસેમ્બર: ભારતના પહેલા સૌર મિશન આદિત્ય એલ-1ને લઈને ISROના વડા એસ. સોમનાથે અપડેટ આપી છે. તેમણે કહ્યું છે કે, ‘6 જાન્યુઆરીએ તેના મંજિલ સ્થાન એટલે કે લેગ્રાંગિયન પોઈન્ટ પર પહોંચશે, હાલમાં આ અંગે સંપૂર્ણ આશા છે. તેમણે વધુમાં કહ્યું કે, ચોક્કસ સમયની માહિતી યોગ્ય સમયે આપવામાં આવશે. ISROના અધ્યક્ષે ભારતીય વિજ્ઞાન સંમેલન દરમિયાન પત્રકારો સાથે વાત કરતા આ વાત કહી. સોમનાથે એ પણ કહ્યું કે ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની નજીક છે.
એન્જિન ફરીથી ફાયર થશે
ISROના વડા એસ. સોમનાથે કહ્યું કે જ્યારે તે L1 પોઈન્ટ પર પહોંચશે, ત્યારે એન્જિનને ફરી એક વખત ફાયર કરવું પડશે, જેથી તે વધારે દૂર ન જાય. એકવાર તે અહીં પહોંચશે, આદિત્ય L1 અહીં ફરવાનું શરૂ કરશે અને ફરતુ રહેશે. ઈસરોના અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે તેના લક્ષ્ય સુધી પહોંચ્યા પછી, આદિત્ય L1 આગામી પાંચ વર્ષ સુધી સૂર્ય પર થઈ રહેલી ગતિવિધિઓ વિશે માહિતી આપવાનું ચાલુ રાખશે. આમાંથી એકત્રિત કરવામાં આવેલ ડેટા માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે. તેમણે કહ્યું કે આ ડેટા સૂર્યની ગતિશીલતા અને આપણા જીવન પર તેની અસર વિશે માહિતી આપશે.
દેશ ટેકનોલોજીની રીતે શક્તિશાળી બની રહ્યો છે: એસ. સોમનાથ
ઈસરોના અધ્યક્ષે વધુમાં કહ્યું કે ભારત જે રીતે ટેક્નોલોજીની રીતે શક્તિશાળી દેશ બની રહ્યો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે એ પણ માહિતી આપી કે ઈસરોએ સ્પેસ સ્ટેશન બનાવવાની યોજના બનાવી છે. તેનું નામ ‘ઈન્ડિયન સ્પેસ સ્ટેશન’ હશે. પીએમ મોદીએ આ અંગે નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે સ્પેસ સેક્ટરમાં અમે નવા ખેલાડીઓનો ઉદભવ જોઈ રહ્યા છીએ… અમે નવી પેઢીની આસપાસ અર્થતંત્રને ટેકો આપવા, પ્રોત્સાહિત કરવા અને નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. સોમનાથે કહ્યું કે ભારત તમામ ક્ષેત્રોમાં અગ્રેસર ન બની શકે, પરંતુ તેણે તે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જ્યાં તે થઈ શકે.
આ પણ વાંચો: જો પૃથ્વી બમણી ઝડપે પરિભ્રમણની કરવા લાગે તો..