આદિત્ય L1 એ સફળતાપૂર્વક ચોથી વખત બદલી કક્ષા, હવે 19 સપ્ટેમ્બરે અર્થ-બાઉન્ડ ફાયર
- ઇસરોએ આજે સવારે આ પ્રક્રિયા હાથ ધરી હતી
- હવે 19 સપ્ટેમ્બરે તેની ભ્રમણકક્ષા વધારાશે
- આ પહેલા ત્રણ વખત ભ્રમણ કક્ષા વધારાઇ છે
ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય L1ની ચોથી ભ્રમણકક્ષા પરિવર્તન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ શુક્રવારે (15 સપ્ટેમ્બર) આ પ્રક્રિયા હાથ ધરી હતી. આ માટે થ્રસ્ટર્સને થોડા સમય માટે ફાયર કરવામાં આવ્યા હતા. ઈસરોએ ટ્વિટર પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન મોરેશિયસ, બેંગ્લોર અને પોર્ટ બ્લેર સ્થિત ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશનો પરથી મિશનની પ્રગતિ પર નજર રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હવે 19 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે તેને લેગ્રેન્જ પોઈન્ટ L1ની ભ્રમણકક્ષામાં મુકવા માટે ભ્રમણકક્ષા વધારવામાં આવશે.
🚨 Fourth Earth-bound manoeuvre of the Aditya-L1 mission performed successfully#AdityaL1 pic.twitter.com/84k7h7BWnc
— AdityaL1 (@AdityaL1mission) September 15, 2023
આ પહેલા પણ ત્રણ વખત અર્થ-બાઉન્ડ ફાયર કરાયુ છે
અગાઉ, ઈસરોએ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 2.30 વાગ્યે ત્રીજી વખત આદિત્ય L1 અવકાશયાનની ભ્રમણકક્ષા વધારી હતી. ત્યારબાદ તેને પૃથ્વીથી 296 કિમી x 71,767 કિમીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવ્યું હતું. તે પહેલા 3 સપ્ટેમ્બરના રોજ આદિત્ય એલ1 એ પ્રથમ વખત સફળતાપૂર્વક ભ્રમણકક્ષા બદલી હતી. ઈસરોએ સવારે લગભગ 11.45 વાગ્યે માહિતી આપી હતી કે આદિત્ય L1નું અર્થ બાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું. જેની મદદથી આદિત્ય એલ1એ તેની ભ્રમણકક્ષા બદલી હતી. ઇસરોએ 5 સપ્ટેમ્બરના રોજ બીજી વખત તેની ભ્રમણકક્ષામાં ફેરફાર કર્યો હતો. ઈસરોએ પણ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. ઈસરોના જણાવ્યા અનુસાર, આદિત્ય-એલ1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ વિતાવશે. આ સમયગાળા દરમિયાન પાંચ વખત આદિત્ય-L1 ની ભ્રમણકક્ષા બદલવા માટે અર્થ બાઉન્ડ ફાયર કરાશે.
આ મહિને લોન્ચ કરવામાં આવ્યુ હતું
ભારતીય અવકાશ એજન્સી ISRO એ 2 સપ્ટેમ્બરે ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય-L1 લોન્ચ કર્યું હતું. ISRO એ PSLV C57 લોન્ચ વ્હીકલથી આદિત્ય L1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. ચંદ્રયાન-3ની જેમ આ મિશન પહેલા પૃથ્વીની આસપાસ ફરશે અને પછી તે ઝડપથી સૂર્ય તરફ ઉડાન ભરશે.
આદિત્ય-L1 પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરનું અંતર કાપશે.
આ પણ વાંચોઃ લોકસભા પહેલાં 3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી, જાણો સર્વેમાં કોની બની રહી છે સરકાર?