કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લઈને કરેલા નિવેદન અંગે હોબાળો યથાવત છે. ભાજપ આ સમગ્ર મામલે કોંગ્રેસને ઘેરવાની તૈયારીમાં છે. જો કે અધીર રંજને પોતાના નિવેદનને લઈને માફી માગી લીધી છે, પરંતુ તેમના વિરૂદ્ધ ભાજપ સતત પ્રહાર કરી રહ્યું છે. તો કોંગ્રેસ નેતાની મુશ્કેલીમાં વધારો થતા રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ પણ અધીર રંજનને નોટિસ ફટકારી છે. મહિલા આયોગે ચૌધરીને 3 ઓગસ્ટ, 11:30 વાગ્યે હાજર થવાનું કહ્યું છે.
રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા સોનિયા ગાંધીને પણ આ મામલે હસ્તક્ષેપ કરવાની વાત કરવામાં આવી છે. મહિલા આયોગે સોનિયાને કહ્યું કે તેઓ આ મુદ્દે અધીર રંજન ચૌધરી વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરે.
શું છે આખો મામલો?
મીડિયા સાથે વાત કરતી વખતે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ મુર્મુને લઈને વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમને મુર્મુને રાષ્ટ્રપતિની જગ્યાએ રાષ્ટ્રપત્ની કહીને સંબોધન કર્યું. જે બાદ તેમનું આ નિવેદન ઝડપથી વાયરલ થયું અને ભાજપે આ મુદ્દે તરત જ પકડી લીધો. સંસદ સત્ર દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મામલે સોનિયા અને અધીર રંજન ચૌધરી પર જોરદાર પ્રહાર કર્યા. આ દરમિયાન સોનિયા અને સ્મૃતિ વચ્ચે પણ તીખી નિવેદનબાજી થઈ હતી. ભાજપ આ સમગ્ર મામલે કોંગ્રેસને ઘેરી રહ્યું છે.
અધીર રંજન ચૌધરીએ માફી માગી
કોંગ્રેસ નેતા અધીર રંજને પોતાના નિવેદન પર હોબોળો થયા બાદ કહ્યું કે તેમને ભૂલથી આ શબ્દનો ઉપયોગ કર્યો, જેને લઈને તેઓ માફી માગે છે. તેમને જણાવ્યું કે રાષ્ટ્રપતિનો સમય માગવામાં આવ્યો છે, હું તેમની માફી માગીશ, જો તેમને મારા નિવેદનથી આઘાત લાગ્યો છે. પરંતુ આ પાખંડીઓની નહીં…. ચૌધરીએ કહ્યું કે સોનિયા ગાંધીની સાથે ગૃહમાં જે રીતે ગેરવતર્ણૂંક થઈ તે માટે તપાસની માગ કરીશું.
કોંગ્રેસ સહિત તમામ વિપક્ષ દળોએ સાંસદના મોનસૂન સત્રમાં મોંઘવારી, બેરોજગારી અને એવા અન્ય મુદ્દાઓને લઈને ચર્ચાની માગ કરી રહ્યાં હતા. આ દરમિયાન અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્શનને લઈને પણ પ્રદર્શન ચાલી રહ્યાં હતા, પરંતુ અધીર રંજન ચૌધરીના નિવેદન પછી ભાજપે ઘણો ઉછાળ્યો અને વિપક્ષને પોતાના નિશાના પર લીધું.