આ વર્ષે અધિક શ્રાવણઃ 59 દિવસો અને 8 સોમવારઃ શું છે આધ્યાત્મિક મહત્ત્વ
- ચૈત્ર મહિનાથી શરૂ થયેલા હિંદુ નવ વર્ષમાં અધિક શ્રાવણ મહિનો આવી રહ્યો છે
- દર ત્રણ વર્ષે આ રીતે અધિક માસ આવે છે, જ્યારે સંવતમાં 12ના બદલે 13 મહિના હોય છે
- શ્રાવણ મહિનો આ વખતે 4 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે, તે 31 ઓગસ્ટ સુધી ચાલશે
ભગવાન ભોલેનાથનો પ્રિય મહિનો શ્રાવણ આ વખતે 59 દિવસનો હશે. આ વખતે ભક્તોને કુલ 8 સોમવાર ભગવાન શિવને વ્રત કરીને જળાભિષેક કરવાનો લહાવો મળશે. તેનું કારણ છે નવું વિક્રમ સંવત 2080 અને શાલિવાહન શક 1945. આ નવા સંવત્સરનું નામ છે નલ. તેના રાજા બુધ અને મંત્રી શુક્ર છે.
આ વર્ષે ચૈત્ર મહિનાથી શરૂ થયેલા હિંદુ નવ વર્ષમાં અધિક શ્રાવણ મહિનો આવી રહ્યો છે. દર ત્રણ વર્ષે આ રીતે અધિક માસ આવે છે, જ્યારે સંવતમાં 12ના બદલે 13 મહિના હોય છે.
ક્યારથી શરૂ થશે શ્રાવણ?
શ્રાવણ મહિનો આ વખતે 4 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે, તે 31 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે શ્રાવણ 59 દિવસનો હશે. 18 જુલાઇથી 16 ઓગસ્ટ સુધી શ્રાવણ અધિકમાસ રહેશે. અધિક મહિનાને પુરુષોત્તમ મહિનો પણ કહેવાય છે. વૈદિક પંચાગની ગણતરી સૌરમાસ અને ચંદ્રમાસના આધારે થાય છે. એક ચંદ્રમાસ 354 દિવસનો જ્યારે સૌરમાસ 365 દિવસનો હોય છે. આ પ્રકારે આ બંનેમાં 11 દિવસનું અંતર આવી જાય છે અને ત્રીજા વર્ષે 33 દિવસનો અધિક માસ બની જાય છે. વર્ષમાં આ 33 દિવસના એડજસ્ટમેન્ટને અધિકમાસ કહેવાય છે. 2023માં અધિકમાસનું એડજસ્ટમેન્ટ શ્રાવણમાં થઇ રહ્યુ છે, તેથી બે શ્રાવણ રહેશે. આ વખતે શ્રાવણમાં આજ કારણે 8 સોમવાર આવશે. રક્ષાબંધન પણ 31 ઓગસ્ટે આવી રહી છે, જ્યારે સામાન્ય સમયમાં 10થી 15 ઓગસ્ટની વચ્ચે રક્ષાબંધન આવે છે.
10 જુલાઇએ પહેલો સોમવાર
આમ તો આખો શ્રાવણ મહિનો ભોલેનાથને અત્યંત પ્રિય હોય છે, પરંતુ તેમાં પણ સોમવારના દિવસે કરાયેલી પૂજાથી તેઓ તાત્કાલિક પ્રસન્ન થઇ જાય છે. આજ કારણ છે કે શ્રાવણના સોમવારે મંદિરોમાં ભક્તોની ભીડ રહે છે. શ્રાવણ 4 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે. આ દિવસે ભક્તો કાંવડ યાત્રા પર નીકળશે. પહેલો સોમવાર 10 જુલાઇએ જ્યારે અંતિમ સોમવાર 28 ઓગસ્ટે પડી રહ્યો છે.
શિવજી શ્રાવણમાં સાસરે જતા હોવાની માન્યતા
ભગવાન શિવને શ્રાવણ માસ પ્રિય હોવાના અનેક કારણ છે. ઋષિ માર્કંડેયે લાંબા આયુષ્ય માટે શ્રાવણમાં જ ઘોર તપ કર્યુ હતુ અને શિવજીની કૃપા મેળવી હતી. તેના કારણે મળેલી શક્તિઓની સામે યમરાજા પણ નતમસ્તક થઇ જાય છે. અલ્પાયુ માર્કંડેય ચિંરજીવી થઇ ગયા હતા. એટલુ જ નહીં એ શ્રાવણનો જ મહિનો હતો જ્યારે ભગવાન શિવ પૃથ્વી પર અવતરિત થઇને પોતાના સાસરે ગયા હતા. ત્યાં તેમનું સ્વાગત અર્ઘ્ય અને જળાભિષેકથી કરાયુ હતુ. એવુ માનવામાં આવે છે કે દરેક શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે. ભુ-લોકવાસીઓ માટે શિવકૃપા મેળવવાનો આ ઉત્તમ સમય હોય છે.
આ પણ વાંચોઃ રોજે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ વાપરતા હોય તો ચેતી જજો