નવી 9 મનપાનો વધારાનો ચાર્જ જિલ્લા કલેકટરને સોંપાયો
ગાંધીનગર, 2 જાન્યુઆરી : રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે નવી 9 મહાનગરપાલિકાની જાહેરાત કર્યા બાદ મોડી સાંજે આ મનપામાં કમિશનરની પણ નિમણૂક કરી દીધી હતી. દરમિયાન આજે ગુરુવારે સવારે આ 9 મનપામાં જિલ્લા કલેક્ટરોને વહીવટદાર તરીકેનો વધારાનો સોંપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે બુધવારે આપી છે. આ નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે.
તદ્દ અનુસાર, મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટરો આ મહાનગરપાલિકાના વહીવટીદાર તરીકે પણ કાર્યભાર સંભાળશે. મહત્વનું છે કે આ તમામ 9 મનપામાં રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે સાંજે જ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરી હતી.
આ પણ વાંચો :- ઈસ્કોનના સંત ચિન્મય કૃષ્ણદાસના જામીન વધુ એકવાર બાંગ્લાદેશ કોર્ટે નકાર્યા