રમેશ બિધૂડીની મુશ્કેલીઓમાં વધારો, લોકસભા અધ્યક્ષે કેસની તપાસનો આદેશ આપ્યો
- બીજેપી સાંસદ રમેશ બિધૂડીની અભદ્ર ટિપ્પણીનો મુદ્દો હજુ ઉકેલાયો નથી. હવે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ મામલાને એથિક્સ કમિટીને મોકલવાની તૈયારી કરી રહ્યા છે.
બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ દાનિશ અલી વિરુદ્ધ લોકસભામાં બીજેપી સાંસદ રમેશ બિધૂડીની અભદ્ર ટિપ્પણીના મામલામાં કાર્યવાહીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ કેસ સંબંધમાં લોકસભા સચિવાલયને વિશેષ સૂચનાઓ આપી છે. સત્રના છેલ્લા દિવસે ચંદ્રયાન-3ની સફળતા પર ચર્ચા દરમિયાન આ વિવાદ થયો એ સમયના તમામ પુરાવા એકત્ર કરવા માટે કહેવામાં આવ્યું છે.
બિરલાનો આદેશ, કેસ સબંધી તમામ રેકોર્ડ રજૂ કરો:
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આદેશ આપ્યો છે કે ગૃહની કાર્યવાહી દરમિયાન જ્યારે ચંદ્રયાન-3 પર ચર્ચા શરૂ થઈ ત્યારે તે સમયના તમામ રેકોર્ડ એકત્ર કરીને તેમની સમક્ષ રજૂ કરવામાં આવે. વિડિયો ફૂટેજ, લોકસભાના રેકોર્ડ અને ગૃહના અન્ય સભ્યો દ્વારા આપવામાં આવેલા પત્રોને પણ સામેલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
એવું પણ જાણવા મળ્યું છે કે આ કેસમાં રજૂ કરાયેલા તમામ તથ્યોને યોગ્ય રીતે જોયા પછી અને સંપૂર્ણ તપાસ કર્યા પછી, લોકસભાના સ્પીકર તેને એથિક્સ કમિટીને મોકલી આપશે. એથિક્સ કમિટી સાંસદો સામે વિશેષ અધિકારોના ઉલ્લંઘનના કિસ્સામાં જરૂરી નિર્ણયો લે છે. એટલે રમેશ બિધૂડીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.
આ મામલે વધુ તપાસ માટે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી, એનસીપીના સુપ્રિયા સુલે અને બસપાના દાનિશ અલીએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને આ મામલે તપાસની વિનંતી કરી છે.
સાંસદ રમેશ બિધૂડીએ કેમ અભદ્ર ટિપ્પણીનો ઉપયોગ કર્યો?
ચંદ્રયાન-3ની જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે સાંસદ દાનિશ અલીએ PM મોદી વિરુદ્ઘ અપશબ્દનો ઉપયોગ કર્યો હતો, દાનિશ અલીએ PM મોદીને ‘નીચ’ કહ્યા હતા જેને લઈને સાંસદ રમેશ બિધૂડી પણ ભાન ભુલ્યા હતા અને અભદ્ર ટિપ્પણીનો ઉપયોગ કર્યો હતો.
સાંસદ દાનિશ પર પણ દુર્વ્યવહારનો આરોપ
સાંસદ રમેશ બિધૂડીયાની સાથે સાથે સાંસદ દાનિશ અલી પર પણ અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ પણ દાવો કર્યો છે કે જ્યારે ચંદ્રયાન-3 પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે સાંસદ દાનિશ અલીએ પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. દુબેએ ઓમ બિરલાને એક પત્ર પણ લખ્યો છે જેમાં દાનિશ અલી વિરુદ્ધ તપાસની માંગ કરવા માંગ કરવામાં આવી છે અને આ મામલો એથિક્સ કમિટીને મોકલવાની પણ માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષે કરી PM મોદી વિશે અપમાનજનક ટિપ્પણી