ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ક્રિકેટર શ્રીસંતની મુશ્કેલીમાં વધારો, પોલીસે લાખોની છેતરપિંડીનો કેસ નોંધ્યો

  • કેરળમાં એસ.શ્રીસંત અને અન્ય બે વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ હેઠળ ગુનો દાખલ
  • સ્પોર્ટ્સ એકેડમીના નિર્માણ માટે રૂ. 18.7 લાખ લઈ છેતરપિંડી કરી હોવાનો આરોપ
  • ક્રિકેટર શ્રીસંત દ્વારા આવા કોઈ કેસમાં સામેલ હોવાનો ઇનકાર કરવામાં આવ્યો

કેરળ, 24 નવેમ્બર : કેરળ પોલીસે ગુરુવારે ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર એસ. શ્રીસંત અને અન્ય બે વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદના સંબંધમાં કેસ નોંધ્યો છે. અહેવાલ મુજબ, છેતરપિંડીનો આ મામલો કર્ણાટકના કોલ્લુરમાં એક સ્પોર્ટ્સ એકેડમીના નિર્માણ સાથે સંબંધિત છે. શ્રીસંત ઉપરાંત, FIRમાં અન્ય આરોપી તરીકે 50 વર્ષીય રાજીવ કુમાર અને 43 વર્ષીય વેંકટેશ કિનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરિયાદી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, “સ્પોર્ટ્સ એકેડમીના નિર્માણ માટે તેમની પાસેથી રૂ. 18.7 લાખ લઈ છેતરપિંડી કરવામાં આવી છે.” જે બાદ ક્રિકેટર શ્રીસંત દ્વારા આવા કોઈ કેસમાં સામેલ હોવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.

 

શું છે આ સમગ્ર મામલો?

ચુંડા કન્નાપુરમના રહેવાસી સરિશ બાલાગોપાલનની ફરિયાદના આધારે છેતરપિંડીનો આ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીએ આરોપ મૂક્યો હતો કે, 25 એપ્રિલ, 2019 થી વિવિધ તારીખો પર તેની સાથે 18.7 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, આ રૂપિયા કર્ણાટકના કોલ્લુરમાં સ્પોર્ટ્સ એકેડમીના નિર્માણ માટે લેવામાં આવ્યા હતા. જ્યાં શ્રીસંતનું નામ આ કેસમાં ત્રીજા આરોપી તરીકે આપવામાં આવ્યું છે.

શું જણાવ્યું ક્રિકેટર શ્રીસંત ?

ક્રિકેટર શ્રીસંતે ટ્વિટર પર લખ્યું કે,હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે કોઈપણ કેસમાં મારી કોઈ સંડોવણી નથી. મેં કોઈપણ નાણાકીય વ્યવહારો કે અન્ય કોઈપણ પ્રવૃતિઓમાં જરાય સામેલ નથી. હું તમારા દરેક અને દરેકના સમર્થન અને પ્રેમની ખરેખર કદર કરું છું.”

 

 

 

સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી

ફરિયાદના આધારે, લાખો રૂપિયાની છેતરપિંડીના આ કેસમાં પૂર્વ બોલર એસ.શ્રીસંત અને અન્ય બે વિરુદ્ધ IPCની કલમ 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અગાઉ પણ શ્રીસંત પર લાદવામાં આવ્યો છે પ્રતિબંધ

ઓગસ્ટ 2013માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કથિત સ્પોર્ટ્સ ફિક્સિંગમાં સામેલ થવા બદલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, 2019માં આ પ્રતિબંધ ઘટાડીને સાત વર્ષ કરવામાં આવ્યો હતો, જે સપ્ટેમ્બર 2020માં પૂર્ણ થયો હતો. પ્રતિબંધ બાદ, 2021માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે 20 સભ્યોની ટીમમાં સ્થાન મેળવ્યા બાદ શ્રીસંતે કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) માટે પુનરાગમન કર્યું હતું.

આ પણ જુઓ :હરભજન અને લારા ધર્માંતર કરવા માગતા હતા! ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરનો દાવો

Back to top button