

લોકોને મોંઘવારીમાં વધુ એક ફટકો પડવા જઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં પાઇપલાઇન મારફત નેચરલ ગેસ (PNG)નો વપરાશ કરતા ગ્રાહકો માટે વધુ એક ભાવ વધારો આવ્યો છે. અમદાવાદમાં સિટી ગેસ વિતરણ કરતી કંપની અદાણી ટોટલ ગેસે ગ્રાહકો ઉપર આંતરરાષ્ટ્રીય ઊંચા ભાવના કારણે તા.16 એપ્રિલથી અમલમાં આવે એ રીતે ભાવ વધાર્યો છે
અદાણી ગેસના ગ્રાહકોને મળેલા કંપની તરફથી એલર્ટમાં આ વૃદ્ધિની જાણ કરવામાં આવી છે. ભાવ વધારાની સાથે કંપનીએ વપરાશના લઘુત્તમ જથ્થામાં પણ ફેરફાર કર્યો હોવાથી આગામી દિવસોમાં PNGનું બિલ ગ્રાહકો માટે એક મોટો બોજ બનશે.
અત્યારસુધી અદાણી ઓછામાં ઓછાં 1.6 મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (mmbtu) ઉપર અને પછી તેના કરતા વધારે વપરાશ ઉપર બિલિંગ કરતી હતી હવે લઘુત્તમ વપરાશ ઘટાડી 1.5 mmbtu કરવામાં આવ્યો છે
લઘુતમ વપરાશ ઉપરનો જુનો ભાવ રૂ.1397પ્રતિ mmbtu અને તેના કરતાં વધારે હોય તો રૂ.1425 mmbtu ઉપર ગણતરી થતી હતી. આ વખતે લઘુત્તમની મર્યાદા 1.6 હતી. હવે, નવા બિલિંગમાં ભાવ વધતા 1.5 mmbtu સુધી રૂ.1425 અને તેના કરતાં વધારે વપરાશ ઉપર રૂ.1453.20 પ્રતિ mmbtu ગણી બિલ બનશે.
વૈશ્વિક બજારમાં ગેસના વધી રહેલા ભાવના કારણે માર્ચ 2022 પછી આ પાંચમો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ ચાર મહિનામાં પાંચ વધારાથી નેચરલ ગેસના ભાવ 16 ટકા કે પ્રતિ mmbtu રૂ.195.80 પૈસા વધી ગયા છે.