એક સમયે વિશ્વના ત્રીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પાસે માત્ર એક તૃતીયાંશ સંપત્તિ બાકી છે. ગૌતમ અદાણી, જે એક મહિના પહેલા સુધી $130 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ હતા, તેઓ એક મહિનામાં 33માં નંબરે સરકી ગયા છે. ગૌતમ અદાણી $35 બિલિયન સાથે ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનરની યાદીમાં 33માં નંબરે છે. નોંધપાત્ર વાત એ છે કે આ બધું અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ થયું છે. 24 જાન્યુઆરીના રોજ, જ્યારે શોર્ટ સેલર કંપનીએ અદાણી જૂથ સામે તેનો અહેવાલ જાહેર કર્યો, ત્યારે તેમની સંપત્તિ $127 બિલિયન હતી. થોડા દિવસોમાં આ રિપોર્ટ તેમને 33મા સ્થાને લઈ ગયો. છેલ્લા એક મહિનામાં અદાણી ગ્રુપમાં ઘણું બધું જોવા મળ્યું છે.હિંડનબર્ગે તેમના અહેવાલમાં અદાણી જૂથ પર એકાઉન્ટિંગમાં છેતરપિંડી, શેરના ભાવમાં વધુ પડતી કિંમત સહિત અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે અદાણી સમુહની કંપનીઓના શેરની કિંમત 85 ટકા સુધી વધી છે અને આજે તેમની આગાહી સાચી પડી છે. અદાણીના શેરમાં 85 ટકાનો ઘટાડો થયો છે. માત્ર ગૌતમ અદાણી જ નહીં, તેમના રોકાણકારોને પણ ભારે નુકસાન થયું છે. ગૌતમ અદાણીની અંગત સંપત્તિ ઘટીને માત્ર $35 બિલિયન થઈ ગઈ છે. 24 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરીની વચ્ચે ગૌતમ અદાણીની નેટવર્થ $127 બિલિયનથી ઘટીને $35 બિલિયન થઈ ગઈ છે. તેની બે તૃતિયાંશ સંપત્તિ એક મહિનામાં ખતમ થઈ ગઈ છે. હવે ગૌતમ અદાણી પાસે માત્ર 1 તૃતીયાંશ મિલકત બચી છે. જો આપણે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પર નજર કરીએ તો ગૌતમ અદાણીની સંપત્તિ ઘટીને 40 અબજ ડોલર થઈ ગઈ છે.
આ પણ વાંચો : હિંડનબર્ગ રિપોર્ટનો કહેર યથાવત, અમીરોની યાદીમાં અદાણી 29 માં ક્રમે પહોંચ્યા
અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અદાણીના શેરના ભાવમાં 85 ટકાનો ઘટાડો થયો છે. 23 જાન્યુઆરીએ રૂ. 3436 પર બંધ થયેલ અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 60 ટકા ઘટીને રૂ. 1382.65 થયો છે. અદાણી ટોટલનો શેર, જે 23 જાન્યુઆરીએ રૂ. 3,901 પર બંધ થયો હતો, તે 80 ટકા ઘટીને રૂ. 791 પર બંધ થયો હતો. અદાણી ગ્રીન એનર્જીનો શેર જે એક મહિના પહેલા રૂ. 1932 પર હતો તે ઘટીને રૂ. 512 થયો છે. આ ઘટાડો માત્ર સંખ્યામાં નથી. આ દર્શાવે છે કે આ રિપોર્ટથી અદાણીના રોકાણકારોને કેટલું મોટું નુકસાન થયું છે.ગૌતમ અદાણીના શેરના ભાવમાં ભારે નુકસાન થયું છે. આ રોકાણકારોમાં LIC સૌથી મોટું રોકાણકાર છે, જેને આ રિપોર્ટ આવ્યા બાદથી ભારે નુકસાન થયું છે. અદાણીની 5 કંપનીઓમાં LICનું મોટું રોકાણ છે. 24 જાન્યુઆરીના રોજ અદાણીની કંપનીઓમાં LICનું કુલ રોકાણ રૂ. 72,193.87 કરોડ હતું, જે 23 ફેબ્રુઆરીએ ઘટીને રૂ. 26,861.88 થયું હતું. એટલે કે અદાણીની કંપનીઓમાં LICનું રોકાણ 62.79 ટકા ઘટ્યું છે. એટલું જ નહીં એલઆઈસીને બે વખત ફટકો પડ્યો છે. અદાણીના શેરમાં 17 ટકા સુધીનો ઘટાડો થયો છે.ગૌતમ અદાણીને પડેલા ફટકાની અસર SBIના શેર પર પણ જોવા મળી રહી છે. SBI એ બદલામાં ગૌતમ અદાણીની કંપનીઓને લોન આપી છે. જો કંપની આ લોન ચૂકવવામાં અસમર્થ હોય તો બેંકને મોટું નુકસાન થશે. આ ડરને કારણે SBIના રોકાણકારો પણ શેર વેચીને જતા રહ્યા છે. 24 જાન્યુઆરીએ જ્યારે હિંડનબર્ગ રિપોર્ટ આવ્યો ત્યારે SBIના શેર રૂ. 604.60 પર બંધ થયા હતા. 23 ફેબ્રુઆરીના રોજ કંપનીના શેર રૂ.521 પર આવી ગયા હતા. એક મહિનામાં SBIના શેરમાં 14 ટકાનો ઘટાડો થયો છે. એટલે જો જોવામાં આવે તો હિન્દબર્ગના રિપોર્ટની આગ માત્ર અદાણી પુરતી સીમિત નથી રહી પરંતુ તેની સાથે જોડાયેલા લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે.