અદાણીએ બાંગ્લાદેશને એનું સ્થાન બતાવ્યું, બાંગ્લાદેશીઓેએ હવે અંધકારમાં રહેવું પડશે, જાણો કારણ
ઢાકા, 2 નવેમ્બર, 2024: અદાણીએ છેવટે બાંગ્લાદેશને તેનું સ્થાન બતાવી દીધું છે. બાંગ્લાદેશમાં દિવાળી પછી લાઇટો બંધ થવાની સંભાવના છે. કેમ કે અદાણી ગ્રુપની કંપની અદાણી પાવર ઝારખંડ લિમિટેડે બાંગ્લાદેશને આપવામાં આવતો વીજળીનો પુરવઠો અડધો કરી દીધો છે. સપ્લાય બંધ થવાનું કારણ ઢાકા દ્વારા વીજ બિલોની બાકી રકમની ચૂકવણી થઈ નથી એ છે. જો ઢાકા બિલની ચૂકવણી નહીં કરે તો આગામી દિવસોમાં બાંગ્લાદેશમાં અંધકાર છવાઈ જાય તેવી શકયતા છે.
બાંગ્લાદેશના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર અદાણી પાવરની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર ઝારખંડ લિમિટેડ (APJL) એ બાંગ્લાદેશને પૂરો પાડવામાં આવતો વીજળીનો પુરવઠો અડધો બંધ કરી દીધો છે. બાંગ્લાદેશે અદાણી કંપનીએ $846 મિલિયન ચૂકવવાના થાય છે. ધ ડેઇલી સ્ટાર અખબાર અનુસાર પાવર ગ્રીડ બાંગ્લાદેશ પીએલસીના ડેટા દર્શાવે છે કે અદાણી પ્લાન્ટે ગુરુવારે રાત્રે સપ્લાય ઘટાડ્યો હતો. બાંગ્લાદેશે ગુરુવાર અને શુક્રવારની વચ્ચેની રાત્રે 1,600 મેગાવોટ (MW) કરતાં વધુની અછત નોંધાવી હતી, કારણ કે 1,496-MW પ્લાન્ટ હવે એક યુનિટમાંથી 700 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરે છે.
અગાઉ અદાણી કંપનીએ બાંગ્લાદેશના ઊર્જા સચિવને પત્ર લખીને બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (PDB)ને 30 ઓક્ટોબર સુધીમાં બાકી રકમ ચૂકવવા જણાવ્યું હતું. 27 ઓક્ટોબરે લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે જો બિલની ચૂકવણી કરવામાં નહીં આવે તો કંપનીને 31 ઓક્ટોબરે પાવર સપ્લાય બંધ કરવાની અને પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ જરૂરી પગલાં લેવાની ફરજ પડશે. કંપનીએ જણાવ્યું હતું કે PDB એ ન તો બાંગ્લાદેશ કૃષિ બેંક તરફથી USD 170.03 મિલિયનની રકમ માટે લેટર ઓફ ક્રેડિટ (LC) પ્રદાન કર્યું છે અને ન તો USD 846 મિલિયનની બાકી રકમ ચૂકવી છે.
અખબારે પીડીબીના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે તેઓએ અગાઉ અગાઉના લેણાંનો એક ભાગ ચૂકવી દીધો હતો, પરંતુ જુલાઈથી અદાણી અગાઉના મહિનાઓ કરતાં વધુ પૈસા લઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે PDB લગભગ USD 18 મિલિયનની સાપ્તાહિક ચૂકવણી કરી રહ્યું છે, જ્યારે ફી USD 22 મિલિયન કરતાં વધુ છે. “તેથી જ બાકી ચૂકવણીમાં ફરી વધારો થયો છે,” તેમણે કહ્યું.
મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી પછી ચાર્જ સંભાળ્યો ત્યારથી અદાણી બાકી ચૂકવણી માટે દબાણ કરી રહ્યું છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ આ અંગે મુખ્ય સલાહકાર યુનુસને પત્ર પણ લખ્યો હતો.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હિંદૂઓ સામે થયેલા રાજદ્રોહના કેસો પરત ખેંચવાની માંગ સાથે વિરોધ