ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

અદાણી જૂથ ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાત સહિત દેશમાં રૂ. 80,000 કરોડનું મૂડીરોકાણ કરશે

  • અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝે સૌર મોડ્યુલ બનાવ્યું છે જે સૂર્યપ્રકાશને વીજળી અને હાઇડ્રોજનમાં કરે છે રૂપાંતરિત
  • PVC બિઝનેસમાં લગભગ રૂ. 10,000 કરોડનું મૂડી રોકાણ થશે, જ્યારે બાકીના રૂ. 5,000 કરોડ ડેટા સેન્ટરમાં
  • ગ્રૂપનું લક્ષ્ય 2030 સુધીમાં 45 GW પુનઃઉપયોગી ઊર્જાનું ઉત્પાદન કરવાનું છે

નવી દિલ્હી, 12 મે: અદાણી એન્ટરપ્રાઇઝીસ ચાલુ નાણાકીય વર્ષમાં વિવિધ વ્યવસાયો પર રૂ. 80,000 કરોડનું મૂડીરોકાણ કરશે. નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ 2024 થી માર્ચ 2025) માટેના આયોજિત મૂડી ખર્ચનો એક ભાગ નવા ઊર્જા વ્યવસાયો અને એરપોર્ટ પર હશે, તેમ કંપનીના ડેપ્યુટી ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર સૌરભ શાહે જણાવ્યું હતું.

“અમે નાણાકીય વર્ષમાં આશરે રૂ. 80,000 કરોડના મૂડીરોકાણની અપેક્ષા રાખીએ છીએ, જેમાંથી મોટો હિસ્સો ANIL (અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ) અને એરપોર્ટ બિઝનેસમાં જશે. ANIL સૌર મોડ્યુલ બનાવે છે જે સૂર્યપ્રકાશને વીજળી અને હાઇડ્રોજનમાં રૂપાંતરિત કરે છે. “ત્યારબાદ ત્રીજો હિસ્સો રસ્તાઓનો હશે, જે ગંગા એક્સપ્રેસ વેને કારણે રૂ. 12,000 કરોડનો મૂડી ખર્ચ હશે અને બાકીનું અન્ય વ્યવસાયોમાં રોકાણ કરવામાં આવશે,” તેમ તેમણે ઉમેર્યું હતું.

“અમે અમારો PVC પ્રોજેક્ટ પણ શરૂ કરી રહ્યા હોવાથી, PVC બિઝનેસમાં લગભગ રૂ. 10,000 કરોડનું મૂડી રોકાણ થશે, જ્યારે બાકીના રૂ. 5,000 કરોડ ડેટા સેન્ટરમાં હશે.” શાહે જણાવ્યું હતું કે ANIL 10GW સોલર મોડ્યુલ તેમજ 3 GW વિન્ડ ટર્બાઇન બનાવવા માટે ફેક્ટરીઓને લક્ષ્યાંકિત કરી રહી છે.

અદાણી ગ્રૂપે ગુજરાતમાં તેની ફેક્ટરીમાં સોલાર સેલ અને મોડ્યુલ બનાવવા માટે વપરાતા વેફર્સ અને ઇન્ગોટ્સનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કર્યું છે. તેનું ધ્યેય 2027-28માં પોલિસીલિકોનનું ઉત્પાદન કરીને ભારતની પ્રથમ સંકલિત પુનઃઉપયોગી ઊર્જા બનાવવાનું છે. ગ્રૂપનું લક્ષ્ય 2030 સુધીમાં 45 GW પુનઃઉપયોગી (રિન્યુએબલ) ઊર્જાનું ઉત્પાદન કરવાનો છે, જેમાંથી બે તૃતીયાંશનું ઉત્પાદન ગુજરાતમાં ખાવરા રિન્યુએબલ એનર્જી પાર્કમાં કરવામાં આવે છે.

હાલમાં, આયાતી પોલિસીલિકોનનો ઉપયોગ ઇંગોટ્સ બનાવવા માટે થાય છે જે વેફર તરીકે ઓળખાતી પાતળા શીટ્સમાં રૂપાંતરિત થાય છે જેનો ઉપયોગ સૌર ઊર્જા કોષો બનાવવા માટે થાય છે. અદાણી જૂથ ચીન જેવા દેશો પર ભારતની નિર્ભરતા ઘટાડવા માટે આ જરૂરિયાતને પહોંચી વળવા સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનું નિર્માણ કરવાનું વિચારી રહ્યું છે.

અદાણી એન્ટરપ્રાઈઝ દેશમાં સાત એરપોર્ટ ચલાવે છે. જેમાં તે નવી મુંબઈમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવી રહ્યું છે, જ્યાં તે નાણાકીય વર્ષ 2025 ના અંત સુધીમાં કામગીરી શરૂ કરે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચોઃ PoKમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, કાશ્મીરીઓ સાથેની અથડામણમાં એક પોલીસે જીવ ગુમાવ્યો

Back to top button