અમદાવાદગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

અદાણી ગ્રુપ અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં 1500 કરોડનું રોકાણ કરી બે પ્રિમિયમ હોટેલ બનાવશે

અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2024, અદાણી ગ્રુપે અમદાવાદ એરપોર્ટનું સંચાલન હાથમાં લીધા બાદ હવે આ કેમ્પસમાં 1500 કરોડનું રોકાણ કરીને બે પ્રિમિયમ હોટેલ બનાવવાનો નિર્ણય લીધો છે. જેથી હવે અદાણી ગ્રુપ હોસ્પિટાલિટી રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં પણ એન્ટ્રી કરશે. બંને હોટેલ્સ ઈન્ટરનેશનલ ટર્મિનલ નજીક બનાવવામાં આવશે અને તેમનું કામકાજ શરૂ થતાં પાંચ વર્ષ જેટલો સમય લાગી શકે છે.

અદાણી ગ્રુપ બે પ્રિમિયમ હોટેલ્સનું નિર્માણ કરશે
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે અદાણી ગ્રુપ એરપોર્ટ કેમ્પસમાં બે પ્રિમિયમ હોટેલ્સ બનાવવા જઈ રહ્યું છે. આગામી પાંચ વર્ષમાં 1500 કરોડના રોકાણ સાથે એરપોર્ટ પર અદાણી ગ્રુપ બે પ્રિમિયમ હોટેલ્સનું નિર્માણ કરશે. અમદાવાદ એરપોર્ટના ડેવલપમેન્ટ પ્લાનના ભાગરૂપે ત્યાં નવી હોટેલ્સ બનાવવામાં આવશે,આ ઉપરાંત એરપોર્ટ પર આગામી સમયમાં રિટેઈલ અને કોમર્શિયલ સ્પેસ ઉપરાંત એન્ટરટેઈનમેન્ટ ઝોન પણ બનાવવામાં આવશે. જોકે, એરપોર્ટ પર બનનારી હોટેલનું મેનેજમેન્ટ અદાણી ગ્રુપ પોતાની પાસે રાખવાને બદલે હોસ્પિટાલિટી પાર્ટનરને સોંપી દેશે તેવું પણ જાણવા મળ્યું છે.

પ્રિમિયમ અને લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે
સુત્રો એવું જણાવી રહ્યાં છે કે, આ બંને ફાઈવ સ્ટાર હોટેલમાં તમામ પ્રિમિયમ અને લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં પણ પોતાની નવી પ્રોપર્ટી મેનેજ કરવા હોસ્પિટાલિટી પાર્ટનર સાથે અદાણી ગ્રુપ હાલ સંપર્કમાં છે. આ બાબતે અદાણી ગ્રુપની સત્તાવાર પ્રતિક્રિયા જાણવા માટે મીડિયા કંપની દ્વારા અદાણી ગ્રુપમાં એક ઈમેલ પણ કરવામાં આવ્યો હતો પરંતુ તેનો કોઈ જવાબ હજી સુધી મળ્યો નથી. હાલ અમદાવાદમાં આવેલી ફાઈવસ્ટાર હોટેલ્સમાં કુલ 6500 રૂમ આવેલા છે. જેની સંખ્યા આગામી ત્રણ વર્ષમાં વધીને 7200 સુધી પહોંચી શકે છે.

આગામી સમયમાં હોસ્પિટાલિટી સેક્ટરને ફાયદો થશે
અમદાવાદ અને ગાંધીનગરમાં બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીઝની વધી રહેલી ગતિવિધિઓ સાથે શહેરમાં હોસ્પિટાલિટી સેક્ટર પણ ખાસ્સું વિસ્તરી રહ્યું છે અને એસપી રિંગ રોડ પર પણ બે નવી ફાઈવ સ્ટાર હોટેલ્સ ઉભી થઈ રહી છે. 2020થી અમદાવાદ અને ગાંધીનગરમાં છ નવી ફાઈવ સ્ટાર હોટેલ્સ શરૂ થઈ છે. હોટેલ્સ એન્ડ રેસ્ટોરાં અસોસિએશન ગુજરાતના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોમાણીએ તાજેતરમાં મીડિયાને જણાવ્યા પ્રમાણે, અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી વર્ષોમાં બીજી પણ ફાઈવ સ્ટાર હોટેલ્સ શરૂ થવાની છે અને ગિફ્ટ સિટીના ડેવલપમેન્ટને કારણે પણ દેશ-વિદેશથી અમદાવાદ કે ગાંધીનગર આવતા એક્ઝિક્યુટિવ્સની સંખ્યા વધશે જેનો ફાયદો હોસ્પિટાલિટી સેક્ટરને મળશે.

આ પણ વાંચોઃગૌતમ અદાણીએ Uber સાથે ભાગીદારીનો આપ્યો સંકેત, જાણો શું કહ્યું

Back to top button