અદાણી ગ્રુપે રૂપિયા 8,339 કરોડના રોકાણ સાથે અંબુજા સિમેન્ટમાં હિસ્સો વધારીને 70.3 ટકા કર્યો
HD ન્યૂઝ ડેસ્ક, 17 એપ્રિલ: અદાણી ગ્રુપે અગાઉ 18 ઓક્ટોબર 2022ના રોજ કંપનીમાં રૂ. 5,000 કરોડ અને 28 માર્ચ 2024ના રોજ રૂ. 6,661 કરોડનું રોકાણ કર્યું હતું. આ નવા રોકાણ સાથે તેણે રૂ. 20,000 કરોડની યોજના પૂર્ણ કરી છે. હવે ગૌતમ અદાણી જૂથે અંબુજા સિમેન્ટ્સમાં વધારાના રૂ. 8,339 કરોડનું રોકાણ કર્યું છે. આ સાથે કંપનીમાં તેમનો હિસ્સો વધીને 70.3 ટકા થઈ ગયો છે. આ પગલાથી સિમેન્ટ કંપનીની ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે. અંબુજા સિમેન્ટે તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ અંગે માહિતી આપી છે.
કંપનીએ કહ્યું કે આ રોકાણ તેની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. વિકાસ યોજનાને આગળ લઈ જઈને નવી શક્યતાઓનો લાભ લઈ શકાશે. અદાણી ગ્રૂપે જૂન 2022માં અંબુજા સિમેન્ટ અને ACC સિમેન્ટ $10.5 બિલિયનમાં ખરીદી હતી. “કંપનીના પ્રમોટર અદાણી પરિવારે વોરંટ પ્રોગ્રામ હેઠળ કંપનીમાં રૂ. 8,339 કરોડનું રોકાણ કરીને સમગ્ર હિસ્સો હસ્તગત કર્યો છે. આનાથી કુલ રોકાણ રૂ. 20,000 કરોડ થયું છે.”
અદાણી ગ્રૂપે 2022 માં સ્વિસ કંપની હોલસીમ પાસેથી અંબુજા અને ACC ખરીદવા માટે US $ 10.5 બિલિયનના સોદા પર હસ્તાક્ષર કરીને સિમેન્ટ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.
અંબુજા સિમેન્ટ્સ લિમિટેડના સીઈઓ અજય કપૂરે જણાવ્યું હતું કે, “અમે અંબુજામાં રૂ. 20,000 કરોડના પ્રારંભિક રોકાણને પૂર્ણ કરવાની જાહેરાત કરતાં ઉત્સાહિત છીએ.” બાર્કલેઝ બેંક PLC, MUFG બેંક, મિઝુહો બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે આ સોદા માટે સલાહકાર તરીકે કામ કર્યું હતું.
આ પણ વાંચો :ગોરખપુરથી ભાજપના ઉમેદવાર રવિ કિશન પર ગંભીર આરોપ લગાવનાર મહિલા વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો સમગ્ર મામલો