અમદાવાદમાં અદાણી ગેસનો કરોડોનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી: કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ, તા.2 જાન્યુઆરી 2025: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ વસૂલવા અંગે મોટી કંપનીઓ સામે પણ ઢોલ વગાડવાની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો કે બીજી તરફ અદાણી ગેસ લિમિટેડનો 17 કરોડ 56 લાખ 19 હજાર રૂપિયાનો ટેક્સ બાકી છે. અમદાવાદ મીરરના રિપોર્ટ પ્રમાણે મ્યુનિ. સત્તાધીશોએ અદાણી ગેસ જેવા મોટા માથા પાસેથી રૂ. 17.56 કરોડનો બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે તેમની ઓફિસો બહાર ઢોલ વગાડશે? તેવો સવાલ મ્યુનિ. કોંગ્રેસ કોંગ્રેસ પક્ષનેતા શહેઝાદખાન પઠાણે કર્યો હતો. અદાણી ગેસ પાસેથી બાકીની રકમની વસુલાત ક્યારે કરવામાં આવશે.?
શહેઝાદખાન પઠાણે પ્રોપર્ટી ટેક્સની વસૂલાત કરવાની પદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરતાં શાસક ભાજપ અને મ્યુનિ. વહીવટી તંત્ર ઉપર પ્રહારો કરતાં કહ્યું હતું કે, શહેરનાં તમામ રોડ અને ફૂટપાથ નીચે નાખવામાં આવતાં કેબલ અને ગેસ લાઇન સહિતની અંડરગ્રાઉન્ડ સર્વિસ ઉપર પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
આ જોગવાઇ અંતર્ગત સને 2024-25 સુધી અદાણી ગેસ પાસેથી દક્ષિણ ઝોનનો 2.35 કરોડ, ઉત્તર ઝોનનો 2.14 કરોડ, મધ્ય ઝોનનો 2.77 કરોડ, નવા પશ્ચિમ ઝોનનો 7.727 કરોડ તથા પશ્ચિમ ઝોનનો 3.04 કરોડ મળી કુલ 17.56 કરોડ રૂપિયા વસૂલ કરવાનાં બાકી બોલે છે. આટલી મોટી રકમ બાકી હોવા છતાં અદાણીની ઓફિસો બહાર કેમ ઢોલ વગાડવામાં આવતા નથી તેવો સવાલ કરતાં કોંગી નેતાએ કહ્યું હતું કે, અદાણી સિવાય અનેક કંપનીઓ, મિલો તેમજ મોટા માથાઓ પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલ કરવાનો બાકી છે. કોંગ્રેસનાં આક્ષેપ સામે મ્યુનિ. રેવન્યુ કમિટી ચેરમેન અનિરૂધ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, અદાણી ગેસ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ ગેસ લાઇન નાખવા બદલ પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાની જોગવાઇ સામે સુપ્રીમ કોર્ટમાં ધા નાખવામાં આવી છે. તેથી આ મુદ્દે બીજી કોઇ ટીકા-ટિપ્પણી થઇ શકે નહીં અને જે લોકો બાકી ટેક્સ ભરતા નથી તેમની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જોકે રેવન્યુ કમિટી ચેરમેનનાં ખુલાસા સામે મ્યુનિ.વિપક્ષનેતાએ કહ્યું હતું કે, કોર્ટ કેસનાં નામે છુટી જવાની મનોવૃત્તિ યોગ્ય નથી, મ્યુનિ. પાસે નીચલી કોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટ સુધીનાં કેસ લડવા માટે ૬૨ જેટલાં વકીલોની ફોજ છે અને તેમને કરોડો રૂપિયા ફી ચૂકવાય છે તેમ છતાં આવા મહત્ત્વનાં કેસોનો વર્ષો સુધી નિકાલ આવે નહીં તે ચાલે નહીં. અદાણી ગેસ કંપની પાસેથી આટલી મોટી રકમ ટેક્સપેટે બાકી હોવા છતાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું સંચાલન કરવાનો શીરપાવ આપી શાસક ભાજપે ઉદ્યોગપતિઓની સરકાર હોવાનું સ્વીકારી લીધું છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.
આ પણ વાંચોઃ અમેરિકામાં ટ્રમ્પ ટાવરમાં ટેસ્લા સાયબર ટ્ર્કમાં વિસ્ફોટ, એક વ્યક્તિનું મૃત્યુ