અદાણી ફાઉન્ડેશન દ્વારા સુરતના ભાંડુતને 100% સોલાર પંપ સંચાલિત ગામ બનાવાયું

સુરત જિલ્લાના ઓલપાડમાં આવેલુ ભાંડુત ગામ હવે 100% સોલાર પંપ સંચાલિત બની ગયું છે. ગામની 688 વીઘા ખેતીની જમીન પર અદાણી ફાઉન્ડેશન દ્વારા 5-એચપીના 15 પંપની સુવિધા અપાતા જમીન સિંચાઈયુક્ત બની છે. પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ મૉડલને દર્શાવતી આ પહેલ સંપૂર્ણ રીતે અમલમાં છે. ગ્રામ પંચાયત અને અદાણી ફાઉન્ડેશન સરકારના સિંચાઈ વિભાગના માર્ગદર્શન સાથે મળીને બે વર્ષમાં ડીઝલથી સૌર ઉર્જાથી ચાલતા પંપમાં રૂપાંતરણને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. અદાણી ફાઉન્ડેશને સૌર-પંપ અને સ્થાપનોમાં મદદ કરી તો રાજ્ય સરકારની સિંચાઈ સંબંધિત યોજનાઓને સુનિશ્ચિત કરી ખેતરોમાં સિંચાઈની પાઈપલાઈન સ્થાપિત કરવામાં ગ્રામ પંચાયત પણ મદદરૂપ બની.

સોલાર પંપથી શ્રમ ખર્ચ અને સમયની બચત કરી શકાશે
સોલાર પંપની સ્થાપનાથી ખેડૂતોના જીવનમાં પુષ્કળ લાભ થયા છે. અદાણી ફાઉન્ડેશન હંમેશા ખેડૂત સમુદાય માટે મબલખ તકો ઊભી કરવા પ્રયત્નશીલ રહે છે જેથી તેમને નવીનતમ જ્ઞાન અને ટેકનોલોજીનો લાભ મળી રહે. આ પહેલ દ્વારા ભાંડુત ગામના 401 ખેડૂત ડીઝલની ખરીદી ન કરીને સંપત્તિની બચત કરી રહ્યા છે એટલું જ નહીં, શ્રમ ખર્ચ અને સમયની પણ બચત કરી રહ્યા છે. સામૂહિક રીતે ડીઝલ પરની સરેરાશ વાર્ષિક બચતને જોતા ખેડૂતો અંદાજે રૂ. 9.13 લાખ માસિક અને વાર્ષિક રૂ. 1.10 કરોડ અને રૂ. 20 લાખ શ્રમ કલાકોની બચત કરી રહ્યા છે. તદુપરાંત દર મહિને 3000 કામકાજના કલાકો અને વાર્ષિક 36000 કલાકોની બચત થઈ છે. પહેલનો એક મોટો આડકતરો ફાયદો એ છે કે તેનાથી કેટલીક ખેતીલાયક જમીનની ઉપયોગિતા વધી છે જે અગાઉ સિંચાઈની સુવિધાના અભાવે ઉત્પાદક ન હતી.

ડીઝલથી સૌર સુધીના સંક્રમણની પર્યાવરણ પર પણ સકારાત્મક અસર પડે છે. એક ગણતરી મુજબ ડીઝલ પંપને નાબૂદ કરવાથી ગામમાંથી પ્રતિ વર્ષ 269916 KG કાર્બનનું ઉત્સર્જન દૂર થયું છે. ગુજરાતના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલે ભાંડુત ગામમાં સ્વચ્છ ઉર્જા (સોલાર વોટર પંપ) પહેલના છેલ્લા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું.
ખેતી કરતા 400 ખેડૂતોને ફાયદો થશે : કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલ
ગુજરાત સરકારના ઉર્જા, પેટ્રોકેમિકલ અને કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલએ જણાવ્યુ હતું કે, “ભાંડુત ગામ ડિઝલપંપમુકત બનવાથી ગામની 688 વીઘા ખેતીની જમીનમાં ખેતી કરતા 400 ખેડૂતોને ફાયદો થયો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા 5-એચપીના 15 પંપની સુવિધા અપાતા જમીન સિંચાઈયુક્ત બની છે. પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ મૉડલને દર્શાવતી આ યોજના સાકાર થવાથી ખર્ચ અને સમયની બચત સાથે ખેડૂતોની આવકમાં વધારો થયો છે.”

ખેડૂતો પંપ ખરીદવા માટે સક્ષમ ન હતા
ગ્રામજનો માટે આ સ્ટેજ સુધી પહોંચવું કોઈ સરળ સિદ્ધિ નહોતી. અગાઉ તે ખૂબ જ પડકારજનક હતું કારણ કે સિંચાઈ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત માત્ર ત્રણ તળાવો જ હતા અને તેની આસપાસના ખેતરોમાં પાણી પહોંચાડવા માટે ખેડૂતો ડીઝલથી ચાલતા મોટર પંપનો ઉપયોગ કરતા હતા. વળી તેનાથી પુષ્કળ પ્રમાણમાં ડીઝલનો ખર્ચ, ડીઝલ મોટર અવાજ, વાયુ પ્રદૂષણમાં વધારો તેમજ સખત શ્રમ અને સમયના વેડફાટ જેવા ગેરફાયદાઓ થતા હતા. ઉપરાંત બધા ખેડૂતો આ પંપ ખરીદવા માટે સક્ષમ ન હતા અને તેથી આ પંપ તેમને ભાડે લેવા પડતા જેનાથી વધુ ખર્ચો થતો હતો.
સોલાર વોટર પંપના અનેક ફાયદાઓ છે. તેનાથી દૂરના વિસ્તારોમાં સિંચાઈ થઈ શકે છે; તે પર્યાવરણને અનુકૂળ છે; બળતણની કોઈ જરૂરિયાત નથી; અને તેને ન્યૂનતમ જાળવણીની જરૂર છે. આજે ભાંડુત સફળ ટકાઉ કૃષિ ઇકોસિસ્ટમનું એક ઝળહળતું ઉદાહરણ બની ગયું છે અને માટે ભારતના અનેક ગામો માટે પ્રેરણારૂપ એક મોડેલ ગામ છે.