અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં આજે 10 વર્ષ બાદ ચુકાદો, જાણો સમગ્ર મામલો
- જિયા ખાન આત્મહત્યા કેસમાં વિશેષ કોર્ટ આજે સંભળાવશે ચુકાદો
- સૂરજ પંચોલી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ
- સૂરજના જામીન બાદ જિયાની માતાએ બોમ્બે હાઈકોર્ટમાં કરી હતી અરજી
અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સીબીઆઈની વિશેષ અદાલત આજે પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. અભિનેતા સૂરજ પંચોલી પર જિયાને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ છે. જિયા ખાને તેના ઘરે આત્મહત્યા કરી હતી.જિયા ખાને માત્ર 25 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી
જિયા ખાન આત્મહત્યા કેસમા આજે ચુકાદો
સીબીઆઈએ દાવો કર્યો છે કે આત્મહત્યા કરતા પહેલા જિયાએ તેની સુસાઈડ નોટમાં સૂરજ પર શારીરિક શોષણ, માનસિક અને શારીરિક ત્રાસનો આરોપ લગાવ્યો હતો. વિશેષ અદાલતના ન્યાયાધીશ એએસ સૈયદે ગયા અઠવાડિયે દલીલો સાંભળ્યા બાદ આ કેસમાં ચુકાદો 28 એપ્રિલ માટે અનામત રાખ્યો હતો.
જિયાની માતાએ લગાવ્યો હતો આરોપ
જિયાની માતા રાબિયા ખાને કહ્યું કે આ આત્મહત્યાનો નહીં પરંતુ હત્યાનો મામલો છે. જુબાની દરમિયાન રાબિયા ખાને કહ્યું હતું કે પંચોલી જિયાનું શારીરિક અને શાબ્દિક શોષણ કરતો હતો.પંચોલીએ કોર્ટમાં દાખલ કરેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે ચાર્જશીટ ખોટી છે.
જાણો શું છે જિયા ખાન મૃત્યુ કેસ?
3 જૂન 2013માં જિયા ખાનને તેની માતા રાબિયા ખાન તેના ઘરમાં ફાંસી પર લટકેલી મળી હતી. જિયા ખાને સૂરજ પંચોલી સાથેના તેના સંબંધોનું વર્ણન કરતો 6 પાનાનો પત્ર પણ લખ્યો હતો. જિયાના મૃત્યુ પછી, તેની માતાએ સૂરજ અને તેના પરિવાર પર જિયા સાથે ‘દુષ્કર્મ’ કરવાનો આરોપ મૂક્યો હતો. તેના પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેથી આ મામલે સૂરજની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. સૂરજના જામીન પછી, જિયાની માતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી અને તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપવાની માંગ કરી. કેન્દ્રીય તપાસ એજન્સીએ ડિસેમ્બર 2015માં ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં તેઓએ પંચોલીને ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ મૂક્યો હતો.
આ પણ વાંચો : ભાવનગર ડમી કાંડમાં આરોપીઓનો રાફડો ફાટ્યો ! વધુ 5 આરોપીઓ ઝડપાયા