કંગના રાણાવતને કોર્ટે મોકલી નોટિસ, જાણો શું છે મામલો
મુંબઈ, તા.7 ઓક્ટોબરઃ બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રાણાવતની મુશ્કેલી વધી શકે છે. એક વિવાદીત નિવેદનના કારણે જબલપુર કોર્ટે તેને નોટિસ મોકલી છે. હવે મામલાની 5 નવેમ્બરે સુનાવણી થશે. જેને લઈ અરજીકર્તા અમિત સાહુનું કહેવું છે કે કંગનાના નિવેદનથી ન માત્ર સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓનું અપમાન થયું છે પરંતુ દરેક ભારતીયોને ઠેસ પણ પહોંચી છે. તેણે કહ્યું કે, આ નિવેદન દેશના સ્વતંત્રતા આંદોલનમાં યોગદાન આપનરા સેનાનીઓનું અપમાન છે.
અમતિ સાહુએ આગળ કહ્યું, તેમનું આ નિવેદન નિંદનીય છે અને અમને ઘણું ખોટું પણ લાગ્યું. ભારત દેશની આઝાદી માટે લાખો, કરોડો લોકોએ બલિદાન આપ્યું ત્યારે અંગ્રેજો સામે આઝાદી મળી છે. તેને લઈ અમે કોર્ટમાં ફરિયાદ કરી અને કોર્ટ સમક્ષ વાત રાખી. કોર્ટે આના પર સુનાવણી કરી છે અને અભિનેત્રી કંગના રાણાવતને નોટિસ મોકલી છે. કેસની સુનાવણી 5 નવેમ્બરે થશે.
કંગના શું બોલી હતી
કંગનાએ વર્ષ 2021માં કહ્યું હતું કે 1947માં ભારતને મળેલી સ્વતંત્રતા, આઝાદી નહીં ભીખ હતી. અસલી આઝાદી તો 2014માં મળી છે. તેના આ નિવેદન પર મોટી બબાલ થઈ હતી. તમામ વર્ગના લોકોના રિએકશન સામે આવ્યા હતા. અનેક રાજ્યોમાં તેના આ નિવેદન સામે કેસ પણ નોંધવામાં આવ્યા હતા.
2 ઓક્ટોબર, 2024ના રોજ પણ કંગનાએ કરી હતી વિવાદાસ્પદ પોસ્ટ
2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી વિશેની સોશિયલ મીડિયા પોસ્ટથી પણ કંગના રાણાવાતે નવો વિવાદ ઊભો કર્યો હતો. ભાજપ સાંસદ કંગના રનૌતે પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને તેમની 120મી જન્મજયંતિ પર એક પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જે રાષ્ટ્રપિતા તરીકે ગાંધીજીના કદને ઓછું કરતી હોય તેવું લાગે છે.કંગનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, તે દેશના પિતા નથી, તે દેશના પુત્ર છે. ધન્ય છે આ ભારત માતાના પુત્રો. ફોલો-અપ પોસ્ટમાં, રાણાવતે દેશમાં સ્વચ્છતા પર ગાંધીના વારસાને આગળ ધપાવવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો. જેને લઈ કોંગ્રેસે તેની આકરી ટિકા કરી હતી.
પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી કંગનાએ આ વર્ષે જુલાઈમાં શંકરાચાર્ય પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષો તૂટવા અને એકનાથ શિંદેના મુખ્યમંત્રી બનવા પર તેમણે લખ્યું હતું કે જો કોઈ રાજકારણી રાજનીતિ નહીં કરે તો શું તે ગોલગપ્પા વેચશે. આ પહેલા પણ કંગના રાણાવત અનેક વખત વિવાદાસ્પદ નિવેદનો આપી ચુકી છે.
આ પણ વાંચોઃ બિહારના રાજકારણમાં હડકંપ, ભાજપે તેજસ્વી યાદવ પર લગાવ્યો ચોરીનો આરોપ