

બોલીવુડ એક્ટર અક્ષય કુમારના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. બોલીવુડના ફિટેસ્ટમેન અને ખેલાડી તરીકે ઓળખાતા અભિનેતા અક્ષય કુમાર ફરી કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ વાતની જાણકારી અન્ય કોઈએ નહીં પરંતુ, અક્કીએ ખુદ પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા આપી છે. કોરોના થતાં હવે અક્ષય કુમાર આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી શકશે નહીં.
અક્ષય કુમારે શું કર્યું છે ટ્વીટ?
અક્કીએ કોરોના સંક્રમિત હોવા વિશે માહિતી આપતા લખ્યું છે કે, “ખરેખર હું કાન્સ 2022માં ઈન્ડિયા પેવેલિયનમાં આપણા સિનેમાની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ દુઃખની વાત છે કે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેથી હવે આરામ કરીશ. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને ટેગ કરીને અક્ષયે લખ્યું છે કે, તમને અને તમારી ટીમને ખૂભ શુભેચ્છાઓ”

કાન્સમાં ભારતને અપાયું છે આમંત્રણ
મહત્વનું છે કે, આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતને સન્માનિત દેશ તરીકે આમંત્રણ અપાયું છે. જેથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે અભિનેતા અક્ષય કુમાર ભારતીય પ્રતિનિધિમંડળ તરીકે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા જવાના હતા. પરંતુ, કોરોના સંક્રમિત થતાં અભિનેતા 17મેથી શરૂ થઈ રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ શકશે નહીં.
એપ્રિલમાં પહેલી વખત અક્ષય થયા હતા સંક્રમિત
આ પહેલા અક્ષય કુમાર એપ્રિલ 2021માં કોરોનાના ચપેટમાં આવ્યા હતા. એપ્રિલ મહિનામાં ફિલ્મ ‘બચ્ચન પાંડે’ના શૂટિંગ કરતા સમયે તે કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ, ફિલ્મની આખી ટીમ કોરોના સંક્રમિત થયાના સમાચાર પણ સામે આવ્યા હતા. તેના થોડા સમય બાદ અક્ષય કુમારે કોરોનાને માત આપી ફરી શૂટિંગ શરૂ કર્યું હતું. ત્યારે હવે ફરી અક્ષય પહેલાની જેમ કોરોનાની જંગ જીતી ફિલ્મના ફ્લોર પર એન્ટ્રી કરે તેવી તેના ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે.