દેશમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક્ટિવ કેસ 4 હજારને પાર પહોંચ્યા
નવી દિલ્હી, 25 ડિસેમ્બર: દેશભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ખાસ કરીને નવા વેરિયન્ટ JN.1 કોવિડ-19ના સંક્રમણમાં વધારો થવાને કારણે કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિડ -19ના સક્રિય કેસ સતત વધી રહ્યા છે અને આ આંકડો 4,000ને વટાવી ગયો છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. કોવિડથી દેશવ્યાપી મૃત્યુઆંક 5,33,334 પર પહોંચી ગયો છે. તાજેતરના ડેટા અનુસાર, સોમવારે કોરોનાના સક્રિય કેસ 4,054 પર પહોંચી ગયા હતા જ્યારે રવિવારે આ સંખ્યા 3,742 હતી.
નવા વેરિયન્ટનો કેસ કેરળમાં નોંધાયો
ભારતમાં કોવિડ-19ના નવા પ્રકાર JN.1 નો પ્રથમ કેસ કેરળમાંથી નોંધાયો હતો. ગઈકાલે અહીં નોંધાયેલા સક્રિય કેસોની સૌથી વધુ સંખ્યા 128 હતી, જે કુલ સંખ્યાને 3,000 પર લઈ ગઈ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 315 કોરોના પીડિતો સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 4 કરોડ 44 લાખને વટાવી ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે, હાલમાં કોરોનામાંથી રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે. જો આપણે મૃત્યુ દર વિશે વાત કરીએ, તો તે હાલમાં 1.18 ટકા છે.
થાણેમાં કોરોનાના નવા વેરિયન્ટના 5 કેસ
મહારાષ્ટ્રના થાણેમાં કોરોનાના નવા વેરિયન્ટના કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. થાણેમાં JN.1 સંક્રમણના 5 નવા કેસ મળી આવ્યા છે. સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર, 30 નવેમ્બરથી અત્યાર સુધી પરીક્ષણ કરાયેલા 20 સેમ્પલમાંથી 5 પોઝિટિવ આવ્યા છે. ચેપગ્રસ્ત પૈકી એક મહિલા છે અને તેમાંથી કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. શહેરમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યા હવે 28 પર પહોંચી ગઈ છે. જેમાંથી 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બાકીના ઘરેથી સારવાર લઈ રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાએ રફતાર પકડી, જાણો કેટલા કેસ આવ્યા