અમદાવાદ, 30 મે 2024,રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે 28 લોકો હોમાઈ ગયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારનું તંત્ર સફાળું જાગ્યું છે. તંત્ર દ્વારા વિવિધ સરકારી કચેરીઓ સહિત અનેક ગેમ ઝોન તથા વિવિધ ઓફિસોમાં અને શાળા-કોલેજોમાં ફાયર સેફ્ટીના સાધનો બાબતે ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જે સ્થળો પર ફાયર સેફ્ટીના સાધનો નથી તે શાળાઓ અને ગેમ ઝોનને નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે શાળા અને કોલેજોમાં સૌથી વધુ પ્રમાણમાં બાળકોના જીવનુ જોખમ રહે છે.ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આરટીઓ કચેરીઓને પરિપત્ર કરવામાં આવ્યો છે.
વાનમાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે તો કાર્યવાહી
આરટીઓ કચેરીને આપવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, દરેક શાળા દ્વારા ઓટો રિક્ષા, બસ અને વાનચાલકોએ ફરજિયાત ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવાનું રહેશે. આ ઉપરાંત જે શાળા સંચાલકો પાસે રિક્ષા બસ અને વાન માટે સર્ટિફિકેટ ન હોય શાળાઓમાં જૂન મહિનામાં સત્ર ચાલુ થતાની સાથે જ આરટીઓ કચેરી દ્વારા વિવિધ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવશે. જો કોઈ શાળામાં ફાયર સેફ્ટી નહીં હોય તો તેની સામે આરટીઓના નિયમ અનુસાર દંડ થશે.અમદાવાદ આરટીઓ કચેરી દ્વારા ટીમ તૈયાર કરવામાં આવી છે. સ્કૂલ વાન અને રિક્ષામાં ફાયર સેફ્ટીની પૂરતી કાળજી રાખવી પડશે. ફક્ત ફાયર સેફ્ટી નહીં પરંતુ આરટીઓની વિવિધ ટીમ દ્વારા સ્કૂલ રિક્ષા અથવા વાનમાં નિયમ કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે તો તેમના સામે પણ કાર્યવાહી થશે.
ત્રણ સ્કૂલના સંચાલકોને નોટિસ આપવામાં આવી
અમદાવાદમાં DEO કચેરીની અલગ અલગ ટીમ દ્વારા સ્કૂલોમાં ફાયર સેફટી ફાયર એનઓસી તથા બીયુ પરમિશન અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એક સ્કૂલ પતરાના શેડવાળી તથા અન્ય બે સ્કૂલમાં ફાયર એનઓસી રીન્યુ કરાવવાની બાકી હોવાનું સામે આવ્યું છે. જેને લઇને DEO દ્વારા સ્કૂલને નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે. DEO કચેરીની ટીમ દ્વારા સ્કૂલમાં ચાલી રહેલા ચેકિંગ દરમિયાન નરોડાની અંકુર સ્કૂલ લોખંડના પતરાના શેડ નીચે ચાલતી હોવાનું તથા નારણપુરામાં આવેલી વિજયનગર સ્કૂલ અને વટવામાં આવેલી આશીર્વાદ સ્કૂલમાં ફાયર એનઓસી રીન્યુ કરવાની બાકી છે. જેને લઈને DEO કચેરી દ્વારા ત્રણેય સ્કૂલના સંચાલકોને નોટિસ આપવામાં આવી છે.સ્કૂલ પાસે આ અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.
અમદાવાદમાં આવેલી 1600 સ્કૂલમાં ચેકિંગ ચાલશે
અમદાવાદની સ્કૂલોમાં સોમવારે સવારથી જ DEO કચેરીની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.અમદાવાદમાં આવેલી 1600 સ્કૂલમાં ચેકિંગ ચાલશે.જેમાં શહેરની કચેરી દ્વારા રોજ 100 સ્કૂલ તથા ગ્રામ્ય ડીઓની કચેરી દ્વારા રોજ 50 સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.આ ચેકિંગ દરમિયાન કોઈ સ્કૂલમાં ખામી સામે આવે તો તો તે અંગે DEO ને જાણ કરવામાં આવે છે ત્યારબાદ DEO દ્વારા સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં એવી રહી છે.DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યારે તમામ સ્કૂલોમાં ચેકીંગ ચાલી રહ્યું છે.રોજ 100 સ્કૂલમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.અત્યાર સુધી ત્રણ સ્કૂલમાં ખામી જોવા મળી છે. પતરાના શેડવાળી સ્કૂલને નોટિસ આપી છે જ્યારે અન્ય બે સ્કૂલમાં NOC રીન્યુ કરવાની બાકી હોવાથી NOC લેવા તાકીદ કરવામા આવી છે.
આ પણ વાંચોઃફાયર સેફ્ટીની તપાસમાં માત્ર નાના ધંધાર્થીઓને હેરાન કરવાનો તખ્તો ના ઘડાય તેનું ધ્યાન રાખોઃ કોંગ્રેસ