ચારધામ યાત્રામાં રીલ બનાવનારાઓ સામે કરાઇ કાર્યવાહી, નકલી રજીસ્ટ્રેશનના પણ કેસ નોંધાયા
- પોલીસે 130થી વધુ લોકો સામે હાથ ધરી કાર્યવાહી
ઉત્તરાખંડ, 26 મે: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે રીલ બનાવનારાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેમ છતાં લોકો રીલ બનાવી રહ્યા છે. જેના આધારે પોલીસે 130થી વધુ લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. ચારધામ યાત્રા માટે લોકોએ નકલી રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન ધામોના 50 મીટરની અંદર શ્રદ્ધાળુઓ દ્વારા રીલ બનાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તેમ છતાં લોકો રીલ બનાવી રહ્યા છે. ડીજીપીની કડકાઈ બાદ હવે ઉત્તરાખંડ પોલીસ રીલ બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. રીલ બનાવનારાઓનાં મોબાઈલ ફોન લઈ લેવામાં આવે છે અને તેમની રીલ ડિલીટ કરી નાખવામાં આવે છે અને તેમને દંડ પણ કરવામાં આવે છે.
ગઢવાલનાં આઈજી કરણ સિંહ નગન્યાલે જણાવ્યું કે ચમોલી જિલ્લામાં અત્યાર સુધીમાં 70 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેવી જ રીતે કેદારનાથ રૂટ પર પણ 66 લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે. આ કડકાઈ યાત્રિકોને ધાર્મિક સ્થળોની મર્યાદા જાળવવા માટે પ્રેરિત કરવાના હેતુથી કરવામાં આવી રહી છે.
નકલી નોંધણીનાં કિસ્સા સામે આવ્યા
10મી મેથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. મુસાફરો માટે ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવી છે. જો કે, વધતી જતી ભીડને કારણે નકલી નોંધણીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આઈજી ગઢવાલે કહ્યું કે કેટલાક લોકો એપને એડિટ કરીને નકલી રજીસ્ટ્રેશન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં હરિદ્વાર, ઉત્તરકાશી અને રૂદ્રપ્રયાગમાં નકલી રજીસ્ટ્રશનનાં 45 કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે આ કેસોની તપાસ ચાલી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કાળઝાળ ગરમીમાં ઉમટી રહી છે ભીડ
કાળઝાળ ગરમીમાં પણ આસ્થાનું પૂર ઉત્તરાખંડ તરફ સતત વહી રહ્યું છે. મહત્તમ 4,67,908 તીર્થયાત્રીઓ કેદારનાથ પહોંચ્યા, જે આ ધામની લોકપ્રિયતા દર્શાવે છે. બદ્રીનાથ ધામમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ આવ્યા છે, જ્યાં 24 મેના આંકડા અનુસાર કુલ 2,40,259 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. યમુનોત્રી અને ગંગોત્રી મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં 1,97,494 અને 1,88,993 શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતાં.
હેમકુંડ સાહેબના દરવાજા સબદ કીર્તન અને પ્રથમ અરદાસથી ખુલ્યા. પ્રથમ દિવસે 5,785 શ્રદ્ધાળુઓએ હેમકુંડ સાહિબના દર્શન પણ કર્યા હતાં. તાજેતરમાં, મુખ્યમંત્રી પુષ્કર ધામીના આદેશને પગલે, રીલ બનાવનારાઓ સામે પગલાં લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી અને વધુ પડતાં મુસાફરોની વ્યવસ્થા કરવા માટે રજીસ્ટ્રેશનનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેના પરથી હવે માત્ર રાજ્યનાં જ નહીં રાજ્ય બહારનાં પણ નિર્દોષ ભક્તો સાથે દર્શન કરાવવાનાં નામે છેતરપિંડી થઈ રહી હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો: રાજકોટ ગેમઝોન આગ હોનારતનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો