

દેશની અર્થવ્યવસ્થા ચલાવવા માટે નાણાની જરૂરિયાત હોય છે. આ નાણા લોકો દ્વારા ભરવામાં આવતા આવકવેરામાંથી ઉપયોગમાં લેવામાં આવે છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી આવકવેરા ભરનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દરવર્ષે નિયમિત રિટર્ન ભરનાર વ્યક્તિઓ દેશ માટેની પોતાની જવાબદારી પ્રત્યે સભાનતા કેળવી રહ્યા છે. તેવામાં દેશમાં આવકવેરા દ્વારા પાડવામાં આવતા દરોડા અંગે ઉદભવતી અસમંજસતા અંગે આજે સીબીડીટીના ચેરમેને જણાવ્યું હતું કે, નિયત સમયે ટેક્સ ન ભરનારાઓ સામે જ કાર્યવાહી કરવામાં આવે છે.
દરેક ડેટાનું એનાલિસિસ કરવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે, સીબીડીટીના ચેરમેન નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે, દેશમાં કોઈપણ સ્થળે વગર કારણે દરોડા પાડવામાં આવતા નથી. કોઈને હેરાન કરવાનો ક્યારેય ઈરાદો સીબીડીટીનો નથી હોતો. દરોડા પાડવા પહેલા વર્ષોના ડેટા એકત્ર કરવામાં આવે છે. તેનું એનાલિસિસ થાય છે. ત્યારબાદ ક્યાંય કચાસ જોવા મળે તો તેમના સામે કાર્યવાહી કરવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ કામ કોઈપણ પક્ષપાત વિના કરવામાં આવે છે. સીબીડીટીના ચેરમેન નીતિન ગુપ્તાએ આઈટીના દરોડા અને તપાસની ટીકાના જવાબમાં આ વાત કહી હતી.