બનાસકાંઠા : મધ્યાહન ભોજન કેન્દ્રોને ફાળવાયેલ તુવેરદાળની ગુણવત્તા મામલે તંત્રની કાર્યવાહી
- મધ્યાહન ભોજન કેન્દ્રો પરનો તુવેરદાળનો જથ્થો ખરાબ જણાય તો ગોડાઉન ખાતેથી તાત્કાલિક બદલાવી લેવાની સૂચના અપાઇ
- પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રો પરથી તુવેરદાળનો ૧૮,૬૪૩ કિગ્રા જથ્થો પરત લેવાયો
બનાસકાંઠા 15 જુલાઈ 2024 : બનાસકાંઠા જિલ્લામાં વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતે તુવેરદાળના જથ્થાની ગુણવત્તા બાબતે મીડિયામાં પ્રકાશિત અહેવાલોને ગંભીરતાથી ધ્યાને લેતાં જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલની સુચનાને પગલે જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજના દ્વારા તા. ૮ જુલાઈના રોજ દરેક તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રો પરનો જથ્થો ભોજન બનાવવામાં ઉપયોગમાં નહી લેવા તેમજ જથ્થો ખરાબ જણાય તો ગોડાઉન ખાતેથી તાત્કાલિક બદલાવી લેવાની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત તા.૧૪ જુલાઈ સુધીમાં કુલ ૧૮,૬૪૩ કિગ્રા તુવેર દાળનો જથ્થો પરત લેવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી પ્રા. શાળા, શ્રી અંબાજી-૧ પ્રા.શાળા તથા વડગામ તાલુકામાં આવેલ ભરશેડ પ્રા.શાળા, ઈસ્લામપુરા પ્રા.શાળા તથા પરખડી પ્રા.શાળામાં આવેલ પી.એમ.પોષણ કેન્દ્રો પર ઉપલબ્ધ તુવેરદાળના જથ્થા બાબતે વિવિધ સમાચાર માધ્યમોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. જે અન્વયે મામલતદાર દ્વારા ખાતરી કરીને અહેવાલ કરવામાં આવેલ છે કે કોઈ મધ્યાહન ભોજન કેન્દ્રો પર આ પ્રકારની ખરાબ ગુણવત્તાવાળી દાળમાંથી રસોઈ બનાવેલ નથી. તેમજ ખરાબ દાળનો તમામ જથ્થો ગોડાઉન પર રીપ્લેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ બાબતે મામલતદાર, વડગામ દ્વારા આ તાલુકામાં પી.એમ.પોષણ કેન્દ્રો ખાતે ચકાસણી કરતાં રસોઈમાં કોઈ ખરાબી જણાયેલ નથી. પી.એમ.પોષણ કેન્દ્રમાં તુવેરદાળના જથ્થામાં કોઈ બગાડ થયેલ નથી તેમજ વડગામ તાલુકાના ૧૪૩ પી.એમ. પોષણ યોજનાના કેન્દ્રો ખાતે ખરાબ જથ્થામાંથી કોઈ રસોઈ બનાવેલી નથી.
જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લાના તમામ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો પર દાળનો જથ્થો ખરાબ જણાય તો તાત્કાલિક બદલી આપવા સુચના આપવામાં આવી છે. તેમજ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ જિલ્લા ગોડાઉન મેનેજર દ્વારા જિલ્લાના અલગ અલગ ગોડાઉનો ઉપર જઇ દાળના જથ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે. તા. ૧૨ મી જુલાઈના રોજ ગુ.રા.ના.પુ.નિ.લી. ની વડી કચેરી, ગાંધીનગરને અગમચેતીના પગલાં તરીકે ખરાબ દાળનો જથ્થો તાત્કાલિક રીપ્લેસ કરવા માટે દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. જેથી પી.એમ. પોષણ યોજના અંતર્ગત જિલ્લાના બાળકોને ગુણવત્તાયુક્ત ખોરાક મળી શકે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં બગીચામાં નમાજ પઢતો વિડીયો વાયરલ થતા ચકચાર