અમદાવાદ, 12 ઓગસ્ટ 2024, ગુજરાતમાં પરદેશી પંખી બની ગયેલા ગુલ્લીબાજ શિક્ષકો સામે હવે સરકાર એક્શનમોડમાં આવી ગઈ છે. બનાસકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ભૂતિયા શિક્ષકોનો સરવે શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ ગુલ્લીબાજ શિક્ષકોને લઈ રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા રજા લેતા શિક્ષકોનો હેતુ જાણવા તમામ DEO ને આદેશ કરાયો છે. તેમજ અમદાવાદનાં DEO એ 3 મહિનાથી વધુ ગેરહાજર હોય તેવા શિક્ષકોની યાદી મંગાવી છે. અમદાવાદનાં પણ 3 શિક્ષકો રજા લઈ વિદેશ જતા રહ્યા હોવાની માહિતી મળી રહી છે.
ભૂતિયા શિક્ષકોનાં મામલે શિક્ષણ વિભાગ એક્શનમાં
બનાસકાંઠા જીલ્લામાં ભૂતિયા શિક્ષકોનાં મામલે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલા ભર્યા છે. જેમાં બનાસકાંઠા જીલ્લામાં 3 વર્ષમાં 34 ભૂતિયા શિક્ષકોને બરતરફ કરાયા છે. તેમજ જીલ્લામાં હજુ પણ 6 શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે. તેમજ બિનઅધિકૃત અને વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લામાં વધુ 6 શિક્ષકોને નોટીસ ફટકારવામાં આવી છે તેમ જીલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. હવે અમદાવાદમાં શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યો છે. અમદાવાદની સ્કૂલોમાંથી 12 અને ગ્રામ્યમાંથી 1 શિક્ષક રજા પર છે. જેમાંથી 10 જેટલા શિક્ષક વિદેશ ગયા છે. આ ઉપરાંત 2 ક્લાર્ક પણ 90 દિવસથી વધુ સમયથી રજા પર છે. શિક્ષકોની હાજરી તથા રજા અંગે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના મળતાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં તપાસ કરવામાં આવી હતી.
અમદાવાદ શહેર અને ગ્રામ્યની સ્કૂલોમાં તપાસ
આ અંગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદની સ્કૂલોના 3 શિક્ષક રજા લઈને વિદેશ ગયા છે. આ શિક્ષકો 120 દિવસથી રજા પર છે.આ શિક્ષકોનો રજા માટેનો હેતુ જાણવામાં આવશે. શિક્ષક અન્ય હેતુથી વિદેશમાં હશે તો કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદની તમામ સ્કૂલો પાસેથી 90 દિવસ કરતાં વધુ સમયથી રજા પરના શિક્ષકનું લિસ્ટ માગવામાં આવ્યું છે. જ્યારે AMC સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે સ્કૂલ બોર્ડની સ્કૂલના એક શિક્ષક 90 દિવસથી વધુ સમયથી રજા પર છે. આ શિક્ષકને નોટિસ પણ ફટકારવામાં આવી છે છતાં કોઈ જવાબ ન મળતાં જાહેરાત આપીને શિક્ષકને છૂટા કરવામાં આવશે.
આ પણ વાંચોઃગુજરાતની શિક્ષિકાએ તો ગજબ કર્યું, સરકારી શિક્ષિકા ચાલુ નોકરીએ 1 વર્ષથી છે અમેરિકામાં