અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

નવરાત્રિમાં રોમિયોગીરી કરનારની ખેર નહિ, અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન તૈયાર

અમદાવાદ, 20 સપ્ટેમ્બર, નવરાત્રિ થોડા દિવસોમાં શરૂ થશે, ત્યારે માતાજીના આ તહેવારને લઇ સૌ ભક્તો ઉત્સાહિત છે. હાલના સમયે જ્યારે મહિલાઓ અને યુવતીઓને લઇ સમાજ ચિંતત છે ત્યારે તહેવારમાં કોઇ ગંભીર ઘટના ન ઘટે તેને લઇ અમદાવાદ પોલીસે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં મહિલાઓ અને યુવતીઓની સલામતીને લઇ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ખેલૈયાઓની સુરક્ષા માટે ઠેર-ઠેર CCTV કેમેરા લગાવવામાં આવશે.

ડાર્ક સ્પોટ પર લાઈટો લગાવવામાં આવશે
નવરાત્રિને ધ્યાને રાખી પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. કોઈપણ મહિલાની સુરક્ષાનો ભંગ ન થાય અને રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે તે પ્રકારે પાર્ટીપ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઈટો ફરજીયાત લગાવવામાં આવશે. તેમજ ગરબા ગ્રાઉન્ડ પર જવાના રસ્તા પર આવતી દુકાનો અને રેસ્ટોરન્ટ પર CCTV લગાવવા પડશે. આ ઉપરાંત શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં રમોયોગીરી કરતા લોકો પર ચાંપતી નજર રાખશે.

મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે
સમગ્ર કામગીરીની માહિતી આપતા મહિલા પોલીસના ACP હીમાલા જોષીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં નવરાત્રી પહેલા મહિલા સુરક્ષા પર પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. આ નવરાત્રીમાં છેડતી કરનારા રોમિયોને ભારે પાઠ ભણાવવામં આવશે. ઉપરાંત યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને લઇ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે. મહિલા પોલીસ દ્વારા શહેરના યોજાતા શેરી ગરબાની વિગત એકઠી કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. જે બાદ તમામ પોલીસ સ્ટેશનમાં સી ટીમ તૈનાત કરાવવામાં આવશે. તથા કોઇ ઘટના બાદ તેની તપાસ માટે પાર્ટી પ્લોટ શેરી ગરબામાં સીસીટીવી ફરજીયાત લગાડવામાં આવશે. તથા સીસીટીવી દ્વારા નવરાત્રીમાં પોલીસ ચાંપતી નજર રાખશે.

અમદાવાદ શહેરમાં મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ પશ્ચિમ અને IUCAW દ્વારા નવરાત્રિ માટે ખાસ ટીમ બનાવવામાં આવશે. જેમાં મહિલા પોલીસ સ્ટાફના સભ્યો દ્વારા ટ્રેડિશનલ વેશમાં પાર્ટી પ્લોટમાં જઈને લોકોની ભીડ વચ્ચે જ ફરશે. જેથી કોઈ રોમિયોગીરી કરતા લોકોની આસપાસ પણ જઈને તેમને દબોચી શકે છે. ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકોને પોલીસ પાઠ ભણાવશે. આ ઉપરાંત મહિલાને કોઇ અજાણ્યા નંબર પરથી વારંવાર કોલ કરવાની કે સ્ટોક કરવાની ઘટના બને તો મહિલાઓ પોલીસને જાણ કરી શકે છે. 181 પર કોલ કરતા તરત જ પગલા લેવામાં આવશે.

આ પણ વાંચો…અમદાવાદ: 15 વર્ષ પહેલા તૈયાર થયેલ 514 EWS આવાસો તોડવામાં આવશે

Back to top button