અન્ય રાજ્યોના માછીમારો દ્વારા ડોલ્ફિન અને શાર્કના શિકારની ઘટનાઓ સામે આવ્યાના દસ દિવસ બાદ રાજ્ય સરકારના વન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ પેટ્રોલિંગ ભારતીય કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ અને કસ્ટમ્સ વિભાગ દ્વારા સાથે મળીને કરવામાં આવશે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ મંગળવારે રાજ્યની વિધાનસભામાં આ માહિતી આપી હતી. ગુજરાતના દરિયામાં ડોલ્ફિન અને શાર્કના શિકારની ઘટના અંગે મંગળવારે વિધાનસભામાં જવાબ આપતા મંત્રીએ કહ્યું કે આ ઘટનાના શિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાયબ વન સંરક્ષક – પોરબંદર આ મામલાની તપાસ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે સરકારે આ માછલીઓના શિકારને રોકવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં રમાશે ફાઈનલ મેચ! વન-ડે વર્લ્ડ કપની તારીખનો ખુલાસો
મંત્રીના જણાવ્યા અનુસાર, 15 માર્ચે પોરબંદરના દરિયાકાંઠેથી તમિલનાડુના પાંચ, કેરળ અને આસામના બે-બે અને ઓડિશાના એક સહિત કુલ દસ માછીમારો ઝડપાયા હતા. આ સાથે તેમની બોટમાંથી 22 ડોલ્ફિન અને ચાર બુલ શાર્કના હાડપિંજર જપ્ત કરવામાં આવ્યા હતા. 26 ફેબ્રુઆરીના રોજ આ માછીમારો તેમની બોટ સાથે કેરળના કોચી બંદરેથી નીકળ્યા હતા. ગુજરાત વન વિભાગે, કોસ્ટ ગાર્ડ સાથે સંકલનમાં હસ્તક્ષેપ કરીને આ માછીમારોને 15 માર્ચે પોરબંદરના દરિયાકાંઠે લગભગ 12 નોટિકલ માઈલ દૂર દરિયામાં પકડ્યા હતા. તપાસ દરમિયાન તેમની બોટમાંથી 22 મૃત ડોલ્ફિન અને ચાર મૃત બુલ શાર્ક મળી આવ્યા હતા. આ તમામ માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને તે તમામ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. આ પ્રજાતિઓનો શિકાર કરવો ગેરકાયદેસર છે. આ વિસ્તારોમાં પેટ્રોલિંગ મજબૂત કરવા માટે અમે સ્થાનિક માછીમારોની મદદ લઈશું.15 માર્ચના રોજ, પોરબંદરના દરિયાઇ વિસ્તારમાં 22 મૃત ડોલ્ફિન અને ચાર મૃત બુલ શાર્ક ફોરેસ્ટ વિભાગ-પોરબંદર દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પકડવામાં આવ્યા હતા. આ શિકારીઓ કેરળના કોચી બંદરથી આવ્યા હતા. હાલમાં આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે વન વિભાગ અને કોસ્ટ ગાર્ડ સાથે બેઠક યોજીને વ્હેલ શાર્ક અને ડોલ્ફિનના સંરક્ષણ અને સંવર્ધન અંગે માહિતી આપવામાં આવે છે. ઓખામાં ડોલ્ફિન જોવા પ્રવાસીઓ આવે છે. તેના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકારે મરીન પાર્ક વિસ્તારનો સર્વે કર્યો છે, જેમાં ડોલ્ફિનની સંખ્યા 200થી વધુ હોઈ શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આ મામલે ગૃહમાં ચર્ચાની માંગ કરી હતી. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને અન્ય ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભાના નિયમ 116 હેઠળ વન અને પર્યાવરણ મંત્રીને જાણ કરવાની સૂચના આપી હતી. આ ધારાસભ્યોએ રાજ્ય સરકાર પાસેથી શિકારીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે માહિતી માંગી હતી.