કર્ણાટકની શાળા-કોલેજોમાં હિજાબ પર કાર્યવાહી, 6 મુસ્લિમ છોકરીઓ સસ્પેન્ડ
નેશનલ ડેસ્કઃ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં સત્તાધારીઓએ ગુરુવારે છ મુસ્લિમ વિદ્યાર્થિનીઓને અનેક ચેતવણીઓ છતાં હિજાબ પહેરવા બદલ સસ્પેન્ડ કરી છે. અન્ય એક કાર્યવાહીમાં 12 વિદ્યાર્થીનીઓને વર્ગોમાં હિજાબ પહેરવા બદલ શાળામાંથી પરત મોકલવામાં આવી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ સરકારી ફર્સ્ટ ક્લાસ કોલેજના પ્રિન્સિપાલને ટાંકીને કહ્યું હતું કે, ‘હિજાબ પહેરીને આવવા બદલ વધુ એક વિદ્યાર્થિનીને સસ્પેન્ડ કરી દીધી છે. તેમને આવતીકાલથી 6 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે.’
ઉપિનંગડી ગવર્નમેન્ટ પ્રી યુનિવર્સિટી કોલેજની છ વિદ્યાર્થિનીઓને વારંવાર હિજાબ ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવી છે. કોલેજના પ્રિન્સિપાલે કોલેજના લેક્ચરર્સ સાથે બેઠક યોજીને વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. છ વિદ્યાર્થિનીઓને સરકારી આદેશ અને વર્ગોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા હાઈકોર્ટના નિર્ણય વિશે માહિતી આપવામાં આવી હતી.
જો કે, હમ્પનકટ્ટે નજીક મેંગલુરુ યુનિવર્સિટી કોલેજના અધિકારીઓ હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થિનીઓને પરત મોકલી રહ્યા છે. ગુરુવારે હિજાબ પહેરીને આવેલી 16 વિદ્યાર્થિનીઓએ માંગ કરી હતી કે, તેમને વર્ગોમાં જવાની મંજૂરી આપવી જોઈએ. કોલેજના પ્રિન્સિપાલે તેને ક્લાસમાં બેસવા દેવાનો ઇનકાર કર્યો અને તેને પરત મોકલી દીધી હતી. સિન્ડિકેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. વિદ્યાર્થિનીઓએ જિલ્લા કમિશનરની ઑફિસમાં જઈને હિજાબ પહેરીને ક્લાસમાં જવાની મંજૂરી ન હોવાની ફરિયાદ પણ કરી હતી.
ડીસીએ તેમને સરકારના નિયમો અને કોર્ટના આદેશનું પાલન કરવાની સલાહ આપી હતી. જો કે, યુવતીઓ રાજી ન થઈ અને ગુરુવારે હિજાબ પહેરીને કોલેજ પહોંચી હતી.
ઉડુપી પ્રિ-યુનિવર્સિટી ગવર્નમેન્ટ ગર્લ્સ કોલેજની 6 વિદ્યાર્થિનીઓ દ્વારા શરૂ કરાયેલો હિજાબ વિવાદ આંતરરાષ્ટ્રીય હેડલાઇન્સ બની રહ્યો હતો. આ મામલાની સુનાવણી માટે રચાયેલી હાઈકોર્ટની વિશેષ બેંચે વર્ગખંડોમાં હિજાબ સહિત કોઈપણ ધાર્મિક પ્રતિક પહેરવા સામે ચુકાદો આપ્યો હતો. કોર્ટે શાળાઓમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગતી વિદ્યાર્થીનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી હતી.