દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશીલી કફ સિરપની હેરાફેરી કરતા 9 શખ્સો સામે કાર્યવાહી
દેવભૂમિ દ્વારકા, 10 ફેબ્રુઆરી 204, જિલ્લામાં દારૂ, જુગાર ઉપરાંત નશાકારક અને હાનિકર્તા આયુર્વેદિક સીરપ ઉપરાંત દવાઓની આડમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરવામાં આવતા આ સામે નક્કર કામગીરી કરી અને આવી પ્રવૃત્તિઓ બંધ થાય તે માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જુદા જુદા વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. જેને અનુલક્ષીને સ્થાનિક પોલીસ મથક ઉપરાંત એસ.ઓ.જી. પોલીસની ટીમ દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વિવિધ પ્રકારની માહિતી મેળવી અને સમાજમાં ફેલાયેલા આ પ્રકારના નશાકારક દુષણો દૂર કરવા કાર્યવાહી કરાઈ હતી.આ પ્રકરણમાં કુલ નવ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
નશીલા પદાર્થોની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી લીધા
પ્રાપ્ત વિગત મુજબ જિલ્લામાં અલગ અલગ પ્રકારની દવાઓ દ્વારા ગંભીર નશાકારક પદાર્થોના વેચાણ તેમજ હેરાફેરી કરતા પેડલરો તેમજ મુખ્ય આરોપીઓને ઝડપી લેવા માટે વર્ષ 2023-24 દરમિયાન એસ.ઓ.જી. પોલીસ દ્વારા કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા સતવારા રાજેશ ગોકરભાઈ ડાભી અને સૂર્યાવદર ગામના ગોપાલ દેવશીભાઈ પરમાર નામના બે શખ્સોને નશાકારક કોડેઈન યુક્ત કફ સીરપની રૂપિયા 2,50,140ની કિંમતની 1068 બોટલ સાથે તેમજ અન્ય એક પ્રકરણમાં આરંભડા વિસ્તારમાં રહેતા અને કર્મકાંડ કરતા અનિલ ઉમેશભાઈ બાબુભાઈ બાંભણિયાઅને ભાટિયાના રવિ રામભાઈ કરમૂરને રૂપિયા 8,850ની કિંમતની ચોક્કસ પ્રકારની 1,200 કેપ્સુલ સાથે ઝડપી લઇ અલગ અલગ ગુનાઓ નોંધ્યા હતા.
નવ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી
સલાયા મરીન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મહમદમિયા જાવેદમિયા કાદરી અને તાલબ ઈસ્માઈલ સંધિને રૂ. 2,114ની કિંમતની નશાકારક કોડિન યુક્ત કફ સીરપની 14 બોટલો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. અહીં અન્ય એક કાર્યવાહીમાં ખારી વિસ્તારમાં રહેતા સાલેમામદ ઉર્ફે સાલુ હાસમ ભટ્ટી નામના 36 વર્ષના સંધી શખ્સને રૂ. 6,075ની કિંમતની કફ સીરપની 27 બોટલ સાથે એસ.ઓ.જી. પોલીસની મદદથી ઝડપી લેવાયા હતા.ખંભાળિયામાં એસ.ઓ.જી. પોલીસની કાર્યવાહીમાં ઈરફાન ઉર્ફે બાપુ અલારખાભાઈ શેઠા અને વિજય મથુરાદાસ ગોંડીયા નામના બે શખ્સોને 1,000 ટેબલેટ તેમજ બે મોબાઇલ ફોન મળી, કુલ રૂપિયા 12,400ના મુદ્દામાલ સાથે એસ.ઓ.જી. પોલીસે પકડી પાડ્યા હતા. આમ, એસ.ઓ.જી. પોલીસ દ્વારા નવ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીમાં ઓનલાઈન પ્રસાદ ફૂલફીલમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું