પુણેમાં મુસ્લિમ યુવકની હત્યા કેસમાં હિન્દૂ નેતા સહિત 20 આરોપીઓનો નિર્દોષ છુટકારો
પૂણેની એક અદાલતે શુક્રવારે મોહસીન શેખ નામના યુવકની હત્યામાં હિંદુ સંગઠનના નેતા સહિત 20 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 2014માં શેખની હત્યા કરવામાં આવી હતી. આઇટી પ્રોફેશનલ મોહસિન શેખર (ઉ.વ.28) પર 2 જૂન, 2014ના રોજ હડપસર વિસ્તારમાં દેવી-દેવતાઓની બદનામ કરેલી તસવીરો પર ગુસ્સે થયેલા ટોળાએ હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. આ કેસમાં હિન્દુ રાષ્ટ્ર સેના (HRS)ના નેતા ધનંજય દેસાઈ સહિત 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકાયા
આ બાબત અંગે દેસાઈના વકીલ મિલિંદ પવારે જણાવ્યું હતું કે વધારાના સેશન્સ જજ એસબી સાલુંકેએ HRS નેતા સહિત 20 લોકોને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા હતા. પવારે જણાવ્યું હતું કે બચાવ પક્ષે સફળતાપૂર્વક દલીલ કરી હતી કે જ્યારે હત્યા થઈ ત્યારે દેસાઈ અન્ય કેસમાં જેલમાં હતા. તેમણે કહ્યું હતું કે દેસાઈની હત્યા કે પછી તરત જ થયેલા રમખાણોમાં કોઈ ભૂમિકા નથી. પવારે કહ્યું કે કેસના સાક્ષીઓએ સમગ્ર ઘટના વર્ણવી હતી પરંતુ તેઓ કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને ઓળખવામાં નિષ્ફળ રહ્યા હતા. દેસાઈની હત્યાના થોડા દિવસો બાદ ધરપકડ કરવામાં આવી હતી અને જાન્યુઆરી, 2019માં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.