- ગુજકેટ આધારિત મેરિટમાં 99.9975 માર્કસ સાથે ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી
- ઈજનેરીની 68 હજાર જેટલી બેઠક સામે 31,608 વિદ્યાર્થીનો મેરિટમાં સમાવેશ
- ગુજકેટ આધારિત 30,541, જેઈઈ આધારિત 1,067 વિદ્યાર્થી મેરિટમાં આવ્યાં
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) દ્વારા ઈજનેરીના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ગુજકેટ અને જેઈઈ બંનેનું એક સાથે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ACPC દ્વારા જાહેર કરાયેલા મેરિટ મુજબ ઈજનેરીની 68 હજાર જેટલી બેઠક સામે કુલ 31,608 વિદ્યાર્થીઓનો પ્રોવિઝનલ મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજકેટ આધારીત મેરિટમાં 30,541 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો
ગુજકેટ આધારીત મેરિટમાં 30,541 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. જેઈઈ આધારિત કુલ 21,594 વિદ્યાર્થી હતા જેમાંથી માત્ર 1,067 વિદ્યાર્થીનો જ મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મોક રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગ શરૂ થઈ ગયું છે જે પ્રક્રિયા 11મી સુધી ચાલશે. ઈજનેરીનું ફાઈનલ મેરિટ અને મોક રાઉન્ડનું પરિણામ 14મી જૂનના રોજ જાહેર કરાશે. ACPC દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ઈજનેરીમાં પ્રવેશ માટે 30મી જૂનના રોજ રજિસ્ટ્રેશન માટેની મૂદત પૂર્ણ થઈ હતી. આ દરમિયાન કુલ 32,630 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું. જેમાંથી પ્રોવિઝનલ મેરિટમાં 31,608 વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 23,645 છે અને વિદ્યાર્થિનીઓ 7,963 છે. 20,527 વિદ્યાર્થીઓ એવા છે કે જેમનો ગુજકેટ અને જેઈઈ એમ બંને મેરિટ ફાળવવામાં આવેલ છે.
ગુજકેટ આધારિત મેરિટમાં 99.9975 માર્કસ સાથે ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી
ગુજકેટ આધારિત મેરિટમાં 99.9975 માર્કસ સાથે ગાધે જયાંશ મનુભાઈ નામનો વિદ્યાર્થી છે, જે ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી છે. આ સિવાય જેઈઈ આધારીત મેરિટમાં પ્રથમ ક્રમે સમર્થ પટેલ નામનો વિદ્યાર્થી છે. ઉલ્લેખનીય છે કે, મોક રાઉન્ડમાં સરકારી અને અનુદાનિત મળી કુલ 19 કોલેજની 11,411 બેઠક, 120 ખાનગી કોલેજની 42,043 મળી કુલ 53,454 બેઠક માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. મેનેજમેન્ટ ક્વોટાની કુલ 19,580 બેઠકોમાં પ્રવેશ માટે જે-તે ખાનગી કોલેજ નિયમ પ્રમાણે કાર્યવાહી કરી શકશે. સરકારી અને અનુદાનિત સંસ્થાઓની 95 ટકા બેઠકો અને ખાનગી કોલેજોની 50 ટકા બેઠકો ગુજકેટના આધારે ભરવામાં આવશે અને સરકારી કોલેજની 5 ટકા બેઠકો જેઈઈના આધારે ભરવામાં આવશે. મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓ ACPCની વેબસાઈટ પર તેમનો મેરિટ ક્રમાંક જોઈ શકશે.