રાજકોટમાં ઢોર પકડ પાર્ટીના બે કર્મચારીઓ પર એસિડ એટેક: સુરક્ષા વગર મજૂરો કામ નહીં કરે..!
મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી પર હુમલો થયાની આ ત્રીજી ઘટના બની છે. મહાનગરપાલિકા કર્મચારી પરિષદે મ્યુનિસિપલ કમિશનરને આપેલા આવેદનમાં જણાવાયા મુજબ આ પહેલાં તા. 29મીએ રૈયાચોકડી બ્ર્રીજ પાસે બીઆરટીએસ રૂટ નજીક ઢોર પકડવાની કામગીરી ચાલતી હતી આ દરમિયાન કેટલાંક શખ્સોએ બ્રીજના પુલ પરથી પેવિંગ બ્લોકના ઘા કરીને કર્મચારીઓના માથાં ફોડી નાખવાનો પ્રયાસ ર્ક્યો હતો. જ્યારે તા. 28મીએ ભૂતખાના ચોકમાં વાહન પર પથ્થરમારો કરાયો હતો. આજે સવારે આ એસિડ એટેક થયો છે સતત અસલામતીની ભાવના વચ્ચે કર્મચારીઓ કામ કરતાં હોવાછતાં તંત્ર દ્વારા ન તો સલામતિ માટે કોઇ પગલાં લેવામાં આવે છે કે ન તો પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવે છે.
દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અમીત અરોરાએ વાતચિતમાં કહ્યું હતું કે, મહાનગરપાલિકા તેના કર્મચારીઓની સુરક્ષા માટે સતત ચિંતિત છે. આ બનાવમાં પોલીસ ફરિયાદ કરાશે. કર્મચારીઓને હેલ્મેટ સહિતની સગવડતા પણ પુરી પાડવામાં આવશે. આજના બનાવ અંગે પોલીસ કમિશનર સાથે પણ વાતચિત કરી છે.
દરમિયાન મજૂરોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઢોર પકડવાની ઝુંબેશ વખતે અમારી સાથે પોલીસ બંદોબસ્ત હોય છે. આમછતાં 50થી 70 જેટલાં નંબર પ્લેટ વગરના બાઇક ચાલકો અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને અમને એવી ખુલ્લી ધમકી આપે છે કે ‘અત્યારે પોલીસ સાથે છે. પણ, ઘેર તો એકલાં જવાનાં ને..! ’ જો પોલીસની હાજરીમાં જ આવી ધમકી મળતી હોય તો અમારી સુરક્ષાનું શુ? ’ અમારા પરિવારને પણ ફફડતી હાલતમાં જીવવું પડે છે…
દરમિયાન માલધારી સમાજના આગેવાન રાજુભાઇ ચાવડીયા, રણજીતભાઇ મુંધવા સહિતના આગેવાનોની યાદી મુજબ ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલી ઢોર પકડ ઝુંબેશ અને માલધારી સમાજ પર અત્યાચાર મુદ્દે રાજકોટ માલધારી સમાજની અગત્યની બેઠક મળી મચ્છો માતાજીના મંદિરે મળી હતી જેમાં 1000થી પણ વધારે યુવાનો હાજર રહ્યા હતા. આ ઝુંબેશ સામે આંદોલન કરવા બાબતે રાજકોટ માલધારી ભરવાડ સમાજના આગેવાનોની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા દિવસ રાત ગાય પકડવાની ઝુંબેશ ચાલી રહી છે અને પોલીસ કમિશનર દ્વારા જે ગાયના ઘાસચારને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે તે મુદ્દે અગત્યની ચર્ચા થઈ હતી. ત્યારબાદ મચ્છો માતાજીના મંદિરેથી મૌન પદયાત્રા કરીને આશાપુરા માતાજીના મંદિરે એક હજારથી પણ વધારે ભરવાડ સમાજના યુવાનો ગયા હતા. અને, આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા આ બેઠકમાં રાજુભાઈ ચાવડીયા, રણજીત મુંધવા, ભીખાભાઈ પડસાળીયા, બાબુભાઇ માટીયા, નારણભાઈ વકાતર, ગોપાલભાઈ ગોલતર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.