ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CM યોગીના નામે સંસ્થા ચલાવી લોકોને છેતર્યા, BJP નેતા પણ જાળમાં ફસાયા

ગોરખપુર (ઉત્તર પ્રદેશ), 18 ડિસેમ્બર: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં CM યોગીના નામની નકલી સંસ્થા ચલાવતા બે બદમાશો ઝડપાયા છે. યોગી કોર્પોરેશન ઑફ ઈન્ડિયા નામે નકલી સંસ્થા ચલાવતી ફ્રોડ ગેંગના કથિત સીઈઓ અને ડાયરેક્ટરની ગોરખનાથ પોલીસે ધરપકડ કરી હતી. અને બંને આરોપીઓને જેલ ભેગા કરાયા છે. તેમની પાસેથી નકલી દસ્તાવેજો અને આઈડી કાર્ડ પણ મળી આવ્યા છે. એટલું જ નહીં, આરોપીઓએ ભાજપની એક મહિલાને પણ પોતાની જાળમાં ફસાવ્યા હતા.

CM યોગીના નામે નકલી સંસ્થા બનાવી

ધરપકડ કરાયેલા આરોપીઓના નામ હર્ષ ચૌહાણ અને કેદારનાથ અગ્રહરી છે. હર્ષ ગાઝિયાબાદનો છે, જ્યારે કેદારનાથ મહારાજગંજનો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે સૌપ્રથમ આરોપીઓએ યોગી કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના નામે નકલી સંસ્થા બનાવી લોકોને સભ્ય બનવા આકર્ષિત કર્યા હતા. ત્યારબાદ હજારો લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ ટોળકી 1100 રૂપિયામાં સંસ્થાના સભ્યો બનાવતી હતી અને આઈડી કાર્ડ ઈશ્યુ કરતી હતી. તેઓએ ગોરખનાથ મંદિર અને યોગી આદિત્યનાથની નજીક હોવાનો દાવો કરીને દેશભરમાં લોકોને સભ્ય બનાવીને પૈસા પડાવવાનું શરૂ કર્યું. તપાસ કરતાં આરોપીઓના ખાતામાંથી લાખો રૂપિયાની રિકવરી પણ કરવામાં આવી છે. તે સોશિયલ મીડિયા દ્વારા લોકોને ગેરમાર્ગે દોરીને પોતાનો શિકાર બનાવતા હતા.

બદમાશોની મિલકત જપ્ત કરાઈ

ગોરખપુરના એસપી સિટી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ જણાવ્યું કે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. યોગી કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના નામે નકલી સંસ્થા બનાવીને ગોરખનાથ મંદિરના કાર્યકર હોવાનો દાવો કરીને દેશભરમાં લોકોને સભ્ય બનાવીને છેતરપિંડી આચરતા હતા. એટલું જ નહીં, બદમાશો પોતાના નામની આગળ યોગી ઉમેરીને લોકોને ભ્રમિત કરતા હતા. કૌભાંડીઓ સામે ગેંગસ્ટર એક્ટ અને મિલકત જપ્તી હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપની મહિલા નેતાને પણ જાળમાં ફસાવ્યા

એક અહેવાલ મુજબ, આરોપીઓએ કાનપુરની રહેવાસી મહિલાને પણ પોતાના જાળમાં ફસાવી હતી. આ મહિલા ભાજપના વિભાગીય મંત્રી હોવાનું કહેવાય છે. તેમને એક વોટ્સએપ ગ્રુપની લિંક મળી હતી. જેના દ્વારા તેઓ ‘યોગી કોર્પોરેશન ગ્રુપ ઑફ ઈન્ડિયા’ ગ્રુપમાં જોડાયા. થોડા દિવસો પછી, ગ્રુપના લોકોએ ફોન દ્વારા તેમનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે તમને કાનપુર શહેરની પ્રભારી બનાવવામાં આવશે અને તેમના આધાર કાર્ડ, ફોટો અને પૈસા માંગ્યા. તેમના પર વિશ્વાસ કર્યા બાદ મહિલાએ બધું મોકલી દીધું. પરંતુ બાદમાં ખબર પડી કે તે છેતરપિંડીનો શિકાર બન્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સાયબર ફ્રોડની ઘટનાઓ વધી, ભાજપ સાંસદ સાથે છેતરપિંડી

Back to top button