મેંગલોરમાં શાળા કેમ્પસમાં 3 વિદ્યાર્થિનીઓ પર એસિડ એટેક, હુમલાખોર ઝડપાયો
- હુમલાખોરની ઓળખ 23 વર્ષીય MBA વિદ્યાર્થી તરીકે થઈ છે
- કડાબા પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે
- તમામ વિદ્યાર્થિનીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની
મેંગલોર (કર્ણાટક), 04 માર્ચ: કર્ણાટકના મેંગલોરમાં ત્રણ વિદ્યાર્થિનીઓ એસિડ એટેકનો ભોગ બની છે. જ્યારે છોકરીઓ પ્રી-યુનિવર્સિટી એજ્યુકેશન (PUC) ટેસ્ટમાં હાજરી આપવા માટે શાળાના હૉલમાં પ્રવેશી રહી હતી ત્યારે આ હુમલો થયો હતો. આ ઘટના દક્ષિણ કન્નડના કડાબા તાલુકામાં બની હતી. ત્રણેય શાળાની વિદ્યાર્થિનીઓને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ તમામના ચહેરા પર ગંભીર ઈજાઓ પહોંચી છે.
સ્થાનિકોએ આરોપીને દબોચીને પોલીસને હવાલે કર્યો
માધ્યમિક PUCની વિદ્યાર્થિનીઓ શાળાની બાલ્કનીમાં બેસી તેમની પરીક્ષાની તૈયારી કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. માસ્ક અને ટોપી પહેરેલા આરોપીએ પરીક્ષા ખંડ પાસે બેઠેલી છોકરીઓ પર એસિડ ફેંકીને ભાગ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, સ્થાનિક લોકોએ આરોપીને દબોચીને પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે કડાબા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ ‘અબીન’ તરીકે થઈ છે, જે કેરળનો 23 વર્ષીય MBA વિદ્યાર્થી છે.
આરોપીના નિશાના પર 17 વર્ષીય વિદ્યાર્થિની હતી
કડાબા પોલીસે આ મામલે વધુ તજવીજ હાથ ધરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, અબીનના ટાર્ગેટ પર 17 વર્ષની વિદ્યાર્થિની હતી, પરંતુ પાસે બેઠેલી બે છોકરીઓ આ હુમલાનો શિકાર બની. ઘટના બાદ કડાબામાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. બીજી તરફ, ત્રણેય વિદ્યાર્થિનીઓની હાલત ગંભીર છે.
આ પણ વાંચો: નફે સિંહ રાઠીની હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા, ગોવામાંથી 2 શૂટરોની ધરપકડ