300 કરોડની ઉચાપત કરનારા આરોપીની મથુરામાં સાધુના વેશમાં ધરપકડ
- એક વર્ષથી ફરાર આરોપી મથુરા જિલ્લાના કૃષ્ણ બલરામ મંદિર પાસે ભટકતો હતો
મથુરા, 27 સપ્ટેમ્બર: મહારાષ્ટ્ર પોલીસની ટીમે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાંથી એક ફરાર આરોપીની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પર મહારાષ્ટ્રના બીડ જિલ્લાની ‘જીજાઉ માં સાહેબ મલ્ટી સ્ટેટ બેંક’માં થાપણદારોના 300 કરોડ રૂપિયાની ઉચાપતનો આરોપ છે. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે, મથુરા જિલ્લાના કૃષ્ણ બલરામ મંદિર પાસે વૃંદાવન પોલીસની મદદથી આરોપીની સાધુના વેશમાં ધરપકડ કરવામાં આવી છે.
આરોપી સાધુના વેશમાં ફરતો જોવા મળ્યો
મહારાષ્ટ્રમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરવા બદલ ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ બીડ જિલ્લાના રહેવાસી બબન વિશ્વનાથ શિંદે તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, બીડ જિલ્લાની એક પોલીસ ટીમ બબન શિંદેની ધરપકડ કરવા માટે મથુરા આવી હતી. ઘણી શોધખોળ બાદ તે અંગ્રેજોના મંદિર પાસે સંતના વેશમાં ભટકતો જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે, કૃષ્ણ બલરામ મંદિરને ‘ટેમ્પલ ઓફ ધ બ્રિટીશ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સ્થાનિક પોલીસની મદદથી પકડાયો
પોલીસે જણાવ્યું કે, તપાસ દરમિયાન માહિતી મળી હતી કે આરોપી શિંદે લગભગ એક વર્ષથી મથુરામાં સાધુના વેશમાં રહેતો હતો. મહારાષ્ટ્ર પોલીસની ટીમ તેને મંદિરો, આશ્રમો, હોટલ, ગેસ્ટ હાઉસ વગેરેમાં શોધી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શિંદે વેશ બદલીને રહેતો હતો. જ્યારે મહારાષ્ટ્ર પોલીસની ટીમે મથુરા પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને વૃંદાવન પોલીસની મદદ લીધી, ત્યારે જલ્દી જ આરોપી મળી આવ્યો હતો.
શું છે આરોપ?
શિંદે પર મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ‘જીજાઉ મા સાહેબ મલ્ટી સ્ટેટ બેંક’માં થાપણદારોના 300 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો અને ત્યાંથી ફરાર હોવાનો આરોપ છે. તે પછી તે એક વર્ષથી વૃંદાવન આવીને સંતના વેશમાં રહ્યો. શિંદેની સામે મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં પણ ઉચાપતના અનેક કેસ નોંધાયેલા છે જેમાં તે વોન્ટેડ છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા અને પછી તેને મહારાષ્ટ્ર પરત લઈ ગયા હતા.
આ પણ જૂઓ: અયોધ્યાની કોકા-કોલા ફેક્ટરીમાં હિન્દુ કર્મચારીઓને રક્ષાસૂત્ર કાપવાની ફરજ પડી, જૂઓ વીડિયો