અમદાવાદ, 27 ડિસેમ્બર 2023, ગુજરાતમાં ઘરફોડ અને વાહનચોરીના બનાવો વધી રહ્યાં છે. તેની સાથે અન્ય રાજ્યોમાંથી ચોરીના વાહનો ગુજરાતમાં લાવી વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દિલ્હીમાં ગાડીઓ ચોરીને ગુજરાતમાં લાવીને વેચતા આરોપીને ત્રણ લકઝુરિયસ ગાડીઓ સાથે પકડી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચે ટોયોટો ફોર્ચ્યુનર, કિયા સેલ્ટોસ અને હ્યુન્ડાઈ ક્રેટા કાર સહિત 43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ક્રાઈમ બ્રાંચે વિસત સર્કલ પાસેથી આરોપીને ઝડપ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાંચના કર્મચારીઓને ઘરફોડ અને વાહન ચોરીના આરોપીઓને પકડી લેવા માટે સૂચના આપવામાં આવી હતી. ત્યારે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન એક ખાનગી બાતમીને આધારે વિસત સર્કલ પાસેથી ભાવેશ ગોહિલ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પુછપરછમાં જણાવ્યું હતું કે તે રવિ સોલંકી અને ઈલિયાસ ઘડિયાલી સાથે છેલ્લા પાંચેક મહિનાથી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. આ બંને જણા દિલ્હીના આમીરખાન નામના વ્યક્તિ પાસેથી ચોરીની ગાડીઓ મેળવીને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વેચે છે.
આરોપી 60 ટકા રકમ એડવાન્સમાં લઈ લેતો હતો
તેણે પોલીસને વધુ જણાવ્યું હતું કે, રવિ સોલંકી તેને ફ્લાઈટમાં દિલ્હી મોકલતો હતો અને ત્યાંથી આમીરખાન પાસેથી ગાડી લઈને અમદાવાદ આવતો હતો અને રવિ તથા ઈલિયાસને આપતો હતો. આરોપીએ પોલીસને આ બંને જણાએ ગાડીઓ રાજ રાજપૂતને આપી અલગ અલગ જગ્યાએ વેચી મારી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી ભાવેશ ગોહિલ પાસેથી મળી આવેલી ક્રેટા અમદાવાદમાં વેચેલી કીઆ સેલ્ટોસ તથા સુરતમાં વેચેલી ફોર્ચ્યુનર ગાડી મેળવી લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. રવિ સોલંકી તથા ઈલિયાસ ઘડિયાલી બંને જણા દિલ્હીથી આમીરખાન પાસેથી ગાડીઓ લાવીને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ગાડીની એનઓસી થોડા દિવસમાં આવી જશે એમ કહીને ભાવના 60 ટકા રૂપિયા એડવાન્સમાં લઈ લેતા હતાં. બાકીના 40 ટકા રૂપિયા એનઓસી આવ્યા બાદ આપવાનું કહીને ગ્રાહકને ગાડી વેચતા હતા અને એનઓસી આપતા નહોતા. પોલીસે હાલ રવિ સોલંકી અને ઈલિયાસ ઘડિયાલીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
આ પણ વાંચોઃકેન્દ્રએ રાજ્ય સરકારની પોલ ખોલી, કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં