કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
રાજકોટમાં અપહરણ, લૂંટની બે ઘટનાઓના આરોપીઓ ઝડપાયા
રાજકોટમાં સપ્તાહની શરૂઆતમાં અપહરણ અને લૂંટની બે ઘટના બનવા પામી હતી જે બનાવોના ભેદ ઉકેલી નાખવામાં આવ્યા છે અને એક ઘટનામાં ચાર તેમજ બીજી ઘટનામાં એક આરોપી મળી કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બંને ઘટનામાં આરોપીઓએ રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં આ પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું.
રાજસ્થાનના આધેડને લીફ્ટ આપવાના બહાને કારમાં બેસાડ્યા
પ્રથમ બનાવમાં મળતી માહિતી મુજબ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રાયપુર ગામે રહેતા સત્યનારાયણ અંબાલાલ સોની (ઉં.વ.53) રાજકોટ પોતાના ભાઈને મળવા આવ્યા હતા જ્યાંથી તેઓ પરત વતન જવા ઘરેથી ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યા હતા પણ જે બસમાં જવાનું હતું તે ચુકાઈ ગઈ હતી જેથી બસના ચાલકને ફોન કરતા તેઓએ ચોટીલા આવી જવાનું કહ્યું હતું. જેના કારણે સત્યનારાયણભાઈ લીફ્ટ માંગતા હતા. દરમ્યાન એક અર્ટીગા કાર તેમની પાસે આવીને ઉભી અને તેઓને લીફ્ટ આપતા સત્યનારાયણભાઈ તે કારમાં બેસી ગયા હતા. આ કારમાં પહેલેથી જ ચાલક સહિત ચાર લોકો હાજર હતા.
તમારૂ અપહરણ થઈ ગયું છે, રૂ.50 હજાર આપો
સત્યનારાયણભાઈ કારમાં બેસી ગયા બાદ કાર થોડી આગળ ચાલી હતી. ચોટીલા રોડ ઉપર આગળ જતાં જ કારમાં બેઠેલા બે વ્યક્તિઓએ સત્યનારાયણભાઈને કહ્યું કે તમારૂ અપહરણ થઈ ગયું છે છૂટવું હોય તો રૂ.50 હજાર આપો. જેથી સત્યનારાયણભાઈએ તેઓને કહ્યું કે તેમની પાસે હાલ આટલી રોકડ નથી. જેના પગલે કારમાં બેઠેલા શખ્સોએ તેમને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું.
દીકરા પાસેથી ઓનલાઈન રૂપિયા મંગાવ્યા, આરોપીઓએ ટ્રાન્સફર કરી લીધા
ધમકીઓ મળતા જ સત્યનારાયણભાઈ ગભરાઈ ગયા હતા અને તેઓએ પોતાના દીકરાને ફોન કરી ખાતામાં રૂપિયા જમા કરાવવાનું કહેતા દીકરાએ રૂ.15 હજાર જમા કરાવ્યા હતા. આરોપીઓએ તે રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. ત્યારબાદ વધુ રકમ માંગતા સત્યનારાયણભાઈએ પોતાની પાસે રહેલા રૂ.1500 પણ આપી દીધા હતા.
દીકરાએ રાજકોટ પોલીસને જાણ કરી, પોલીસે લોકેશન મેળવ્યું
દરમ્યાન પિતાનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હોવાની જાણ દીકરાએ રાજકોટમાં રહેતા કાકાને કરતા તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. બી ડિવિઝન પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ તરત જ મોબાઈલ લોકેશન ટ્રેસ કર્યા હતા. જે ગોંડલ રોડ ઉપર મળતા પોલીસે તેઓની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસ આવતી હોવાની જાણ થતાં લૂંટારૂઓ કાર મુકી ભાગી ગયા
સત્યનારાયણભાઈનું અપહરણ કરવામાં આવ્યું હોય અને તેઓને છોડાવવા રૂપિયાની માંગ કરવામાં આવી હોવા અંગે તેના દીકરાએ પોલીસને જાણ કરી દીધી છે અને પોલીસ તેઓની શોધખોળ કરી રહી છે તેવું જાણવા મળતા અપહરણકર્તાઓ સત્યનારાયણભાઈને સોખડા નજીક કારમાં રેઢા મુકી કાર છોડી ભાગી ગયા હતા. આરોપીઓ તેમનો મોબાઈલ પણ ઝુંટવી ગયા હતા.
પોલીસે બાતમીના આધારે ચારેયને પકડ્યા
આ ઘટના અંગે સત્યનારાયણભાઈએ રાજકોટ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે રેઢી પડેલી કાર કબ્જે લીધી હતી અને તેના નંબરના આધારે તપાસ શરૂ કરતાં પગેરૂ રાજકોટના એક યુવક સુધી પહોંચ્યું હતું જેણે આ કાર તેના મિત્રોને બહારગામ જવાનું હોવાથી આપી હોય તેવું કહેતા પોલીસે આગળ તપાસ શરૂ કરી હતી દરમ્યાન આ ઘટનામાં ક્રાઈમબ્રાન્ચની ટીમે ઝંપલાવ્યું હતું અને તપાસમાં ચારેય શખ્સો રસુલપરા પાટિયા પાસે હોવાનું જાણવા મળતા પોલીસે બાતમીવાળા સ્થળેથી રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરના ચાર શખ્સોની અટકાયત કરી છે. આરોપીઓની પૂછપરછ કરતા તેમનું નામ હિમાંશુ ઉર્ફે નરુ પરમાર, ખુશાલ ઉર્ફે એમએલએ રાદડિયા, સુમિત સરવૈયા અને પાર્થ ઉર્ફે ભોલુ ભોજાણીની ધરપકડ કરવામાં આવી છે.
ન્યારી ડેમ ખાતે ફરવા માટે ગયેલી કોલેજીયન યુવતીઓના મોબાઈલ લૂંટાયા
બીજા બનાવમાં રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ ન્યારી ડેમ ખાતે ફરવા માટે ગયેલી કોલેજીયન યુવતીઓને પાછળથી આવી હથિયાર દેખાડી મોબાઇલ ફોનની લૂંટ ચલાવવામાં આવી હોવાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઇ હતી. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસે ન્યારી ડેમ નજીક જ ફરતા શખ્સની કરી ધરપકડ
દરમ્યાન આ ગુનાના આરોપીને ઝડપી લેવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ચોક્કસ બાતમીના આધારે ન્યારી ડેમ નજીક જ ફરતા શખ્સ રાજસિંગ ચૌહાણની અટકાયત કરી પૂછપરછ કરતા તેને લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ધરપકડ કરી લૂંટમાં ગયેલ મોબાઈલ સહિત કુલ 5 મોબાઇલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મિકેનિકલ એન્જિનિયરે નોકરી છૂટતા રૂપિયાની જરૂર પડતા પ્લાન ઘડ્યો હતો
પોલીસની પૂછપરછમાં પકડાયેલ આરોપી રાજસિંગ ચૌહાણ મૂળ સુરતનો વતની હોવાનું અને મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી બાદ છેલ્લા ચાર વર્ષથી રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં નોકરી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. છેલ્લા એક મહિનાથી નોકરીમાંથી છૂટ્ટો થઇ ગયો હોવાથી રૂપિયાની જરૂર હોવાથી લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આરોપી લૂંટ કરવા માટે પ્લાન બનાવી લોકોને ડરાવવા માટે હથિયારની જરૂર હોય માટે બંદૂક જેવું દેખાતું સિલ્વર કલરનું લાઇટર ઓનલાઇન ખરીદ કર્યું હતું. આરોપીએ અન્ય કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ સહિત દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.