નવી દિલ્હી, 25 જાન્યુઆરી : પાડોશી દેશ પાકિસ્તાને ભારત પર તેના નાગરિકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાનના આ આરોપ બાદ હવે ભારત સરકારે પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે કહ્યું છે કે આ પાકિસ્તાનનો લેટેસ્ટ પ્રોપેગેન્ડા છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે ભારતને લઈને પાકિસ્તાનના વિદેશ સચિવના કેટલાક મીડિયા અહેવાલો જોયા. ભારત વિરુદ્ધ જુઠ્ઠાણા ફેલાવવા અને દુષ્પ્રચાર કરવાની આ પાકિસ્તાનની યુક્તિ છે. આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદ, સંગઠિત અપરાધ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત અને અન્ય ઘણા દેશોએ પાકિસ્તાનને જાહેરમાં ચેતવણી આપી છે કે તે આતંક અને હિંસાના પોતાના પ્રચારનો શિકાર બનશે. પાકિસ્તાને જે વાવ્યું છે તે લણશે. તમારા કાર્યો માટે અન્યને દોષી ઠેરવવાથી કોઈ ઉકેલ આવશે નહીં.
શું હતા પાકિસ્તાનના આરોપો?
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે અમારી ધરતી પર બે પાકિસ્તાની નાગરિકોના હત્યારા અને ભારતીય એજન્ટો વચ્ચે સંબંધ હોવાના મજબૂત પુરાવા છે. પાકિસ્તાનના વિદેશ સચિવ મુહમ્મદ સાયરસ સજ્જાદ કાઝીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારતીય એજન્ટોએ પાકિસ્તાનની ધરતી પર પાકિસ્તાની નાગરિક શાહિદ લતીફની હત્યા કરી હતી. ભારતીય એજન્ટોએ રાવલા કોટ મસ્જિદમાં અન્ય પાકિસ્તાની નાગરિક મોહમ્મદ રિયાઝની હત્યા કરવા માટે એક હત્યારાને ભાડે રાખ્યો હતો. અમારી પાસે તેની કબૂલાત અને નક્કર પુરાવા છે.
તેમણે કહ્યું કે ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં હત્યાઓ કરવા માટે વિદેશી ધરતી પર ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. તાજેતરમાં બીજી વખત છે જ્યારે પાકિસ્તાને પ્રેસ કોન્ફરન્સમાં ભારત પર આ પ્રકારના આરોપો લગાવ્યા છે. અગાઉ 2021માં જોહર ટાઉનમાં હાફિઝ સઈદ પર થયેલા હુમલા બાદ પાકિસ્તાને પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતની ગુપ્તચર સંસ્થા RAW અને અંડરવર્લ્ડ ડોન બબલુ શ્રીવાસ્તવ પર આરોપ લગાવ્યા હતા અને દસ્તાવેજો પણ જાહેર કર્યા હતા.