Amazon ઉપર હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ, બોયકોટ કરવાનો ટ્રેન્ડ શરૂ
વિશ્વની જાણીતી e કોમર્સ કંપની Amazon ઉપર ગંભીર આરોપ લાગ્યો છે. Amazon ઉપર હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. એમેઝોન પર જન્માષ્ટમીના દિવસે રાધા કૃષ્ણની આવી તસવીરો વેચાણ માટે મુકવાનો આરોપ છે જે ખૂબ જ વાંધાજનક છે. હિંદુ સંગઠનોએ આ મામલે એમેઝોન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. ટ્વિટર પર ફરી એકવાર બોયકોટનું અભિયાન ચાલી રહ્યું છે.
શું કહે છે હિંદુ સંગઠનો ?
આ મામલે હિંદુ સંગઠનો મેદાનમાં આવ્યા છે. વાસ્તવમાં હિંદુ જનજાગૃતિ સમિતિના જણાવ્યા અનુસાર, આ પેઇન્ટિંગ એમેઝોન તેમજ અન્ય કંપની એક્ઝોટિક ઇન્ડિયાની વેબસાઇટ પર વેચવામાં આવી રહી છે. એમેઝોનની સાથે આ કંપની સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. કમિટીના જણાવ્યા અનુસાર વિરોધ વધ્યા બાદ એમેઝોને પોતાના પ્લેટફોર્મ પરથી આ પેઇન્ટિંગ હટાવી દીધી છે.
સોશિયલ મીડિયા ટ્વિટર પર એમેઝોનનો વિરોધ
Amazon ને સોશિયલ મીડિયા પર ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને એમેઝોનનો બૉયકોટ ટ્રેન્ડમાં છે. હિંદુ જાગૃતિ સંગઠને સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે હાલમાં આ પેઇન્ટિંગ એમેઝોન અને એક્સોટિક ઇન્ડિયા બંને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે. આ પેઇન્ટિંગ વેબસાઇટ પર જન્માષ્ટમી સેલના નામથી ઉપલબ્ધ હતી.
અમેઝોન યુએસની વેબસાઇટ પર ગોદડાં અને ટોઇલેટ કવર પર દેવતાઓના ચિત્રો મુકતા થયો હતો વિવાદ
આ જન્માષ્ટમી વિવાદમાં જ્યારે amazon સંપડાયું છે ત્યારે એમેઝોન પર આ પહેલા પણ ઘણી વખત ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. 2019માં પણ કંપની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો જ્યારે અમેઝોન યુએસની વેબસાઇટ પર ગોદડાં અને ટોઇલેટ કવર પર દેવતાઓના ચિત્રો મૂકીને વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં અન્ય જે કંપની પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે તે બેંગ્લોર સ્થિત કંપની છે. આ કંપની એમેઝોન પર પેઇન્ટિંગ વેચાણ માટે ઓફર કરે છે. લોકો ટ્વિટર પર આ કંપની વિશે સતત ટ્વિટ કરી રહ્યા છે. ત્યારે આ વિવાદ ક્યાં પહોંચે છે તે જોવાનું રહેશે.