ગુજરાત

રાજકોટમાં પટોળાના શો-રૂમમાં ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા

Text To Speech
રાજકોટમાં પટોળાના શો-રૂમમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઈમબ્રાન્ચ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે અને ચાર શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી બે પટોળાના ધંધાર્થીઓ છે. જેઓના માથે દેવું થઈ જતા તેમણે આ પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું.
ગત 21 જૂનના થઈ હતી રૂ.46 લાખની ચોરી
આ અંગે મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં આવેલી વી.જે. સન્સ નામની દુકાનમાં રૂ.46 લાખની કિંમતના પટોળા સહિતની ચીજવસ્તુઓની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ગત 21 જૂનના રોજ વહેલી સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાના અરસામાં આરોપીઓએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીની ઘટનાની જાણ થતાં તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા. તો સાથે જ ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી હતી.
ચોરીના બે દિવસ પહેલા લાખોનો માલ આવ્યો હતો દુકાનમાં
પોલીસે આ અંગે વધુ તપાસ કરી તો સામે આવ્યું કે, જ્યાં ચોરી થઈ હતી તે દુકાનમાં બે દિવસ પહેલા જ લાખોનો માલ આવ્યો હતો. જેથી તે ચોરીની પાછળ કોઈ જાણભેદુનો હાથ હોવો જોઈએ. જેથી પોલીસે તે દિશામાં આગળ તપાસ શરૂ કરી હતી.
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આરોપીઓ ઝડપાયા
ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસ કરતા ગુનામાં પાંચ શખ્સોની સંડોવણી સામે આવી હતી જેમાંથી મુખ્ય આરોપી હરિ પાલજીભાઈ ગોહિલ, ટીપ આપનાર આરોપી મનિશભાઇ જીતિયા, ચોરીની ઘટનાને અંજામ આપનાર સુજાનશીંગ ટાંક અને સાહેબશીંગ ટાંકની ધરપકડ કરવામાં આવી છે.
દેણામાંથી મુક્તિ મેળવવા ચોરીનો પ્લાન ઘડ્યો હતો
પોલીસ પૂછપરછમાં ચાર આરોપીઓ પૈકી બે આરોપીઓ શિકલીકર ગેંગના સભ્યો હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ બે આરોપીઓ પટોળાના ધંધાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. પોલીસની પૂછપરછમાં મુખ્ય આરોપી હરી તેમજ ચોરીની ઘટના બાબતે ટીપ આપનાર મનિશની પૂછપરછમાં બન્ને પટોળાના ધંધા સાથે સંકળાયેલા હોવાનું જણાવ્યું છે. તેમજ બન્નેના માથે પટોળાના ધંધામાં દેવુ થઈ ગયાનું જણાવ્યું છે. ત્યારે દેણામાંથી મુક્તિ મેળવવા માટે આ પ્રકારે ચોરીનું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત આપી છે. આ ગુનામાં હજુ એક આરોપી ફરાર હોય જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Back to top button