વડોદરાથી ભાગેલા ભૂવાને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આણંદથી ઝડપ્યો
વડોદરા, 26 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં બાબાઓ અને ભૂવાઓની માયાજાળમાં ફસાઈ જનારા અનેક લોકો છેતરાયાં છે અને આવા ભૂવાઓ આરોપી પણ નીકળ્યા છે. ત્યારે વડોદરાના ડેસર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશીષ અને લૂંટના ગુનામાં સંડોવાયેલો આ ભૂવો છેલ્લા 15 મહિનાથી ફરાર હતો. તે સાવલીમાં તાંત્રિક વિધિ માટે આવવાનો હોવાની માહિતી મળતા પેરોલ ફર્લો સ્કવોર્ડે ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડ્યો હતો. ભૂવાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં 23.6 K ફોલોઅર્સ છે.
રોકડ રકમની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા
વડોદરાના ડેસર પોલીસ સ્ટેશનમાં 27 નવેમ્બર 2022ના રોજ હત્યાની કોશીષ અને લૂંટનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી રવિરાજ રાઠોડ અન્ય આરપીઓની મદદથી ફરિયાદી સંદીપ રમેશભાઈ જેસડીયાની કારનો પીછો કર્યો હતો. જેમાં શીહોરાથી રાણીયા વચ્ચે કાર રોકી ડંડા વડે કારના કાચ તોડી નાખ્યા હતાં. ફરિયાદી પર તલવાર વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી મારી નાંખવાની કોશીષ કરી હતી. ઉપરાંત ફરિયાદીનો મોબાઈલ, સોનાની ચેઇન 10 ગ્રામ, જેની કિંમત રૂપિયા 57,300 સાથે રોકડ રકમની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.
છેલ્લા 15 મહિનાથી પોલીસ પક્કડથી દૂર હતો
આ બનાવ અંગે વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કવોર્ડેને બાતમી મળી હતી કે, આરોપી ભૂવો સાવલીમાં આવનાર છે. ચોક્કસ માહિતી મળતા એક ટીમ તાત્કાલીક રવાના થઈ હતી. દરમિયાન ચીખોદરા ચોકડી હાઇ-વે પર ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી ભૂવો સાવલીના ભમ્મર ઘોડા મંદિરમાં તાંત્રિક વિધિ માટે આવ્યો હતો. આ બાબતની પોલીસને જાણ થતા આરોપી ભૂવાને પકડવા માટે જતી હતી પણ ભૂવાને આ અંગેની જાણ થતા ફરાર થઇ ગયો હતો. જેથી વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે અન્ય એક ટીમને રસ્તામાં ઉભી રાખી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જેમાં આણંદ ખાતે રસ્તામાં ઉભેલી ટીમે ભૂવાને ઝડપી પાડ્યો હતો. આ આરોપી છેલ્લા 15 મહિનાથી પોલીસ પક્કડથી દૂર હતો.
આ પણ વાંચોઃગૂગલ મેપથી રિવ્યૂ કરી કમાણીની લાલચમાં ગાંધીનગરના યુવાને 11 લાખ ગુમાવ્યા