સાવરકુંડલા : લવ જેહાદ અને અપહરણના કથિત આરોપીએ પોલીસ કસ્ટડીમાં આપઘાત કરી લેતા ખળભળાટ
- અપહરણના ગુનામાં પોલીસે ઝડપી લીધા હતા ચાર આરોપી
- ઝડપાયેલા આરોપીઓને જેલમાં રાખવામાં આવ્યા હતા
- વહેલી સવારે આરોપી સદ્દામ અગવાને કરી લીધો હતો આપઘાત
- ઓઢવાની ચાદર ફાડી દોરી બનાવી ફાંસો ખાધો હતો
અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનની લોકઅપમાં અપહરણના ગુનામાં ઝડપાયેલા એક આરોપીએ ચાદર વડે બાથરૂમમાં ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે. ઘટનાના પગલે અમરેલી એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને અને મામલે તપાસ હાથ ધરી છે. આરોપીએ વહેલી સવારે આ પગલું ભરી લીધું હતું. આ ગુનામાં કુલ ચાર આરોપીઓ ઝડપાયા હતા. જેઓને એક સાથે જ જેલમાં રાખવામાં આવ્યા હતા.
બે દિવસ પહેલા યુવતીનું અપહરણ કરાયું હતું
મળતી વિગતો મુજબ અમરેલીના સાવરકુંડલાના પિયાવા ગામની એક યુવતીનું બે દિવસ પહેલા ચાર શખસો દ્વારા લગ્ન માટે ધાક ધમકી આપી અપહરણ કરવામાં આવ્યું હતું. આ મામલે વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સદામ જુસબ અગવાન, જસુભાઈ કશુભાઈ ખુમાણ, પ્રવીણભાઈ ઉર્ફે મુન્નો મગનભાઈ રંગાણી અને નરેશનભાઈ ભીમભાઈ ખાડકને ઝડપી પાડ્યા હતા. આ ચારેય આરોપીઓ વંડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે સદામ જુસબ આગવન નામના આરોપીએ પાથરવાની ચાદરને દાંતથી કાપી દોરી બનાવી હતી તેની મદદથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
જિલ્લા પોલીસવડા સહિતનો સ્ટાફ દોડી ગયો
ઘટનાને લઈ અમરેલી એસપી હિમકર સિંહ, ડીવાયએસપી વોરા સહિત પોલીસ કાફલો તથા પ્રાંત અધિકારી સહિતના દોડ્યા હતા અને મૃતદેહને પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે એસપી હિમકરસિંહે કહ્યું હતું કે, અપહરણના ગુનામાં ઝડપાયેલા ચારેય આરોપીઓ લોકઅપમાં હતા ત્યારે એક આરોપીએ દાંતથી ચાદરને કાપી હતી અને તેની મદદથી ગળેફાંસો ખાઈ લીધો હતો. હાલ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી વધુ કાર્યવાહી હાથધરી હતી.
આ પણ વાંચો : ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સારવાર હેઠળ રહેલા પુત્રને મળવા મુબંઈ પહોંચ્યા