દાહોદઃ માતાની થપ્પડનો બદલો આરોપીએ અત્યંત ઘાતકી રીતે લીધો, બંને બાળકોના ગળા દબાવી, મોઢા છુંદી નાખ્યા
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામેથી બે સગા ભાઇઓનું અપહરણ કર્યા બાદ બંનેની ઘાતકી હત્યા કરનારની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 17મી મે સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પ્રાપ્ત થતી જાણકારી મુજબ બંને બાળકોની માતાએ ત્રણ થપ્પડો મારી હોવાથી તેનો બદલો લેવા માટે તેના બંને બાળકોની ખુબજ ઘાતકી રીતે હત્યા કરી નાંખી હતી. બદલાની આગમાં સળગતા આરોપીએ એટલું ઘાતકીપણ દાખવ્યું હતું કે બંને બાળકોના મોઢા છુંદી નાખવા માટે પથ્થર ઝીંકયા હતા તેમજ ગળું દબાવીને તેમનો જીવ લીધો હતો.
કેમ હત્યા કરી?
કાંટુ ગામના સુરાડુંગરી ફળિયામાં રહેતાં નરવતભાઇ બામણિયા આમલીમેનપુર ગામના પાણીના ટાંકા ઉપર નાઇટ વોચમેન તરીકે નોકરી કરે છે. ગામના જ નીશાળ ફળિયામાં રહેતો રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ મનુભાઇ મોહનીયા તેમની સાથે વોચમેન તથા ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. દશેક દિવસ અગાઉ સાંજના આશરે આઠ વાગ્યાના સુમારે રાજેશભાઇ નરવતભાઇના ઘરે ગયો હતો. તેણે છોકરી પાસે વીમલ મંગાવતાં તેણે ના પાડી દીધી હતી. ત્યારે તે ખરાબ ગાળો બોલી રહ્યો હોવાથી નરવતભાઇની પત્ની રમીલાબેને તેને ઠપકો આપીને બે-ત્રણ થપ્પડો મારી દીધી હતી.
નરવતે આ બાબતની અદાવત રાખી હતી. 10મી તારીખે પૂત્ર દીલીપ તથા રાહુલ નજીક રહેતાં કાકા શંકરભાઇ બામણીયાના ઘરે રમવા ગયા હતાં. ત્યારે સાતેક વાગ્યાની આસપાસ લાલ બાઇક લઇને ત્યાં ધસી ગયેલા રાજેશ ટાંકી ઉપર ટીફીન જમાડવાનું કહીને બંને બાળકોનું અપહરણ કરી ગયો હતો. જંગલમાં લઇ જઇ રાહુલને થોડે દુર ઉભો રાખીને તેણે દીલીપને કોતરમાં લઇ જઇ તેના માથે પથ્થર ઝીંકી દીધો હતો. બચીને ભાગેલા દીલીપને પીછો કરી ઝડપી પાડી બે વખત પથ્થર માથે મારીને તેનું ગળુ દાબી હત્યા કરી નાખી હતી.
આ વખતે રાહુલને પણ પકડીને તેના કપાળે પથ્થર ઝીંકીને ગળુ દાબી નાખ્યુ હતું. દીલીપને ત્યાં કોતરમાં જ પથ્થરો નીચે દાબી દીધો હતો. જ્યારે રાહુલને બાઇક ઉપર કંજેટા તરફ લઇ જઇ કૂવામાં ફેંકી દીધો હતો. રાજેશની ધરપકડ કરીને પોલીસે તેના 17 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
બાળકોની લગ્નમાં પણ તપાસ કરવામાં આવી હતી
રાજેશ છોકરાઓને ટાંકીએ લઇ ગયો હોવાનું જાણ્યા બાદ નરવતભાઇ રાત્રે આઠ વાગ્યે નોકરીએ જતાં ત્યાં કોઇ મળ્યુ ન હતું, તેમજ રાજેશનો ફોન પણ લાગ્યો ન હતો. જેથી તેના પિતા મનુભાઇને ફોન કરતાં તે છોકરાઓને લગ્નમાં લઇ ગયો હશે જણાવાયુ હતું. જેથી નજીકના ગામ સીગાવલી તથા લુખડીયા તથા ભોરવા ગામે લગ્નમા આ તપાસ બાદ પણ પત્તો નહીં મળતાં રાજેશભાઇ રાત્રે ત્રણ વાગ્યે ઘરે આવ્યા હતાં.
50 વર્ષિય નરવતભાઇ 6 બાળકોના પિતા છે : બે બાળકોની હત્યા કરાઇ
કાંટુ ગામના 50 વર્ષિય નરવતભાઇને વસ્તારમાં છ બાળકો છે.જેમાં બે બાળકોની હત્યા કરી દેવાઇ હતી. ત્રણ છોકરા અને ત્રણ છોકરી ધરાવતાં નરવતભાઇની સૌથી મોટી દીકરી નીમીષાના લગ્ન થઇ ગયા છે. તેના પછીની મધુ અને લલીતા છે તે પણ કુંવારી છે. તેના પછીનો 10 વર્ષિય દીલીપ હતો જે હાલમા ધોરણ- 4 મા અભ્યાસ કરતો હતો. તેના પછીનો 7 વર્ષિય પંકેશ તેના પછીનો પાંચ વર્ષિય રાહુલ હતો. આ છ સંતાન પૈકી દીલીપ અને રાહુલની હત્યા કરી દેવાઇ છે.
હત્યા બાદ બિન્દાસ ફરતો હતો
બાળકોની તપાસમાં નીકળેલા નરવતભાઇને સાંજના ચાર વાગ્યાના અરસામાં રાજેશ તેની બાઇક સાથે રૈયાવણ ગામે ચોકડી ઉપર મળી ગયો હતો. છોકરાઓ વિશે પુછપરછ કરતાં તેણે ટાંકી ઉપર મુકીને આવી ગયો હોવાનો નફ્ફટાઇથી જવાબ આપીને પીપેરો તરફ બાઇક લઇને જતો રહ્યો હતો. ત્યારબાદ દીલીપની લાશ મળતાં તપાસ બાદ તેને શોધી કાઢ્યો હતો.