નવસારીમાં આરોપીએ મહિલા જજ પર પથ્થર વડે કર્યો હુમલો, જાણો શું હતો સમગ્ર મામલો
નવસારી ડિસ્ટ્રીક્ટર કોર્ટમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા આરોપીએ થર્ડ એડિશનલ સેશન્સ જજ પર પથ્થરથી હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે.
મહિલા જજ પર પથ્થર વડે હુમલો
મળતી માહીતી મુજબ નવસારી ચીફ કોર્ટમાં થર્ડ એડિશનલ સેશન્સ મહિલા જજ એ. આર. દેસાઈ પર આરોપીએ પથ્થર વડે હુમલો કરી દીધો હતો. નવસારીમાં કલમ 326 હેઠળના ગુનામાં આરોપી ધર્મેશ રાઠોડને જેલમાં મોકલાયો હતો. અને કોર્ટમાં કેસની સુનાવણી માટે આ આરોપીને હાજર કરવામાં આવ્યો હતો. જ્યા આ આરોપીએ ચાલુ કોર્ટમાં જ જજ પર હુમલો કરી દીધો હતો.
અગાઉ પણ જજ પર ચપ્પલ ફેંક્યું હતું
આરોપી જેલમાંથી ખિસ્સામાં પથ્થર સંતાડીને લાવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરાતા જ તેણે જજને પથ્થર માર્યો હતો. જોકે સદનસીબે જજને પથ્થર વાગ્યો નહોતો. પરંતુ ઘટનાને પગલે બાર એસોસિએશનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્ટમાં જ જજ પર હુમલાની ઘટનાથી જેલ કેદી જાપ્તાની ટુકડીની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો થાય છે. કેમ કે આ જ આરોપીએ અગાઉ પણ જજ પર ચપ્પલ ફેંક્યું હતું.
બાર એસોશિએશને હુમલાની ઘટના અંગે કર્યો પ્રશ્ર
આ સમગ્ર ઘટના મામલે બાર એસોસિએશને જાપ્તાની ટુકડીની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતો. સિનિયર એડવોકેટ પ્રતાપસિંહ મહિડાએ જણાવ્યું હતું કે “આવા આરોપીને જજ સામે હાજર કરતા પહેલા તંત્રએ પૂરતી તપાસ કરવી જોઈતી હતી અને બાદમાં તેને હાજર કરવો જોઈએ. એની પાસે જે પથ્થર હતો, જો તપાસ કરી હોત તો આ ઘટના ન બની હોત. એટલે તંત્રની કાયદો અને વ્યવસ્થા બાબતની ઉદાસીનતા સ્પષ્ટપણે ઉજાગર થઈ છે અને આ ખૂબ જ ગંભીર બાબત છે”
આ પણ વાંચો : થરાદ સોની બજારમાં ચોરીના સિલસિલાથી ભય, વેપારીઓએ ચોકીની કરી માંગ