કોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલા જજ પર આરોપીનો હુમલો, જુઓ વીડિયો
- નેવાડાના લાસ વેગસની કોર્ટમાં અરાજકતાના દ્રશ્યો જોવા મળ્યા
- અદાલતી સુનાવણી દરમિયાન મહિલા જજ પર આરોપીએ લાંબો કુદકો લગાવી કર્યો હુમલો
લાસ વેગસ, 4 જાન્યુઆરી : અમેરિકન રાજ્ય નેવાડાના લાસ વેગસ શહેરમાં બુધવારે અરાજકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. લાસ વેગસમાં અદાલતી સુનાવણી દરમિયાન મહિલા જજે આરોપીને કસૂરવાર ઠેરવતો ચુકાદો આપ્યો તેનાથી આરોપી હતાશ થઈ ગયો અને તેણે લાંબો કુદકો લગાવીને મહિલા જજ ઉપર હુમલો કરી દીધો હતો. જોકે, કોર્ટના સુરક્ષાકર્મીઓએ તત્કાળ એક્શનમાં આવીને આરોપીને પકડી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ હુમલામાં ન્યાયાધીશને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે તેમની સુરક્ષા કરી રહેલા ગાર્ડને ગંભીર ઈજા થઈ છે. તેને માથામાં ઈજા થઈ હતી જેના કારણે તેનું લોહી નીકળવા લાગ્યું હતું. ગાર્ડને પણ ખભામાં ઈજા થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
United States of America- A judge in Las Vegas was today attacked during a live hearing after she denied probation for a career felon pic.twitter.com/OtkHrXAi3k
— Megh Updates 🚨™ (@MeghUpdates) January 4, 2024
અમેરિકન અખબાર USA ટુડે અનુસાર, આરોપી ડીઓબ્રા રેડ્ડન લાસ વેગસનો રહેવાસી છે અને તે એક ગુનાઈત કેસમાં આરોપી હતો. તે એ જ કેસમાં હાજર થઈ રહ્યો હતો, જેના પર જજ મેરી કે. હોલ્થસ સુનાવણી બાદ પોતાનો ચુકાદો આપી રહ્યા હતા. જેવો જજે રેડ્ડનને દોષિત જાહેર કર્યો અને તેને સજા આપવા જઈ રહી હતી ત્યારે રેડ્ડને જજ પર હુમલો કર્યો.
મહિલા ન્યાયાધીશ પર હુમલાની સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ
કોર્ટરૂમના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, રેડ્ડન જજ તરફ દોડતા જ જજ મેરી હોલ્થસને ખતરાની લાગણી થઈ અને તે પોતાની ખુરશી પરથી ઉભી થઈને દોડવા લાગી, પરંતુ પછી રેડ્ડન જજ પર પડી ગયો. આ હુમલામાં જજને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે નજીકમાં ઉભેલા જજના ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આ પછી સુરક્ષાકર્મીઓએ રેડને પકડી લીધો અને ત્યાં તેને માર માર્યો. વીડિયોમાં સુરક્ષાકર્મીઓ જોરદાર મુક્કા મારતા દેખાઈ રહ્યા છે.
હુમલા બાદ આરોપીની કરવામાં આવી ધરપકડ
કોર્ટરૂમના વિડિયોમાં કેપ્ચર થયેલા હિંસક દ્રશ્યમાં, આરોપી દ્વારા હુમલો કરવામાં આવતા ક્લાર્ક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ મેરી કે હોલ્થસન તેની સીટ પરથી પાછળની દિવાલ સાથે અથડાયા હતા, જેના કારણે તેમને ઈજાઓ પહોંચી હતી, એમ રાજ્યની આઠમી ન્યાયિક ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિવેદનમાં જણાવાયું છે. આ હુમલા પહેલા પણ રેડનના વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે તેને જેલમાં ન મોકલવામાં આવે. હુમલા બાદ રેડનની ધરપકડ કરવામાં આવી છે અને ક્લાર્ક કાઉન્ટી ડિટેન્શન સેન્ટરમાં તેની નોંધ કરવામાં આવી છે.