

ગુજરાતના લઠ્ઠાકાંડે 50થી વધુ લોકોના ભોગ લીધા છે. આ મોતના તાંડવથી અનેક પરિવાર નિરાધાર બન્યા છે. તો બીજી તરફ રાજ્યમાં દારૂનું વેચાણ બેરોકટોક ચાલી રહ્યું હોવાનું પણ વધુ એક વખત પુરવાર થયું છે. પોલીસ અને તંત્રની રહેમનજર હેઠળ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે તે આ લઠ્ઠાકાંડે વધુ એક વખત સાબિત કર્યું છે. લઠ્ઠાકાંડમાં ધરપકડ કરાયેલા 12 આરોપીને આજે રાણપુર કોર્ટમાં રજૂ કરાશે. લઠ્ઠાકાંડ મામલે 13 બુટલેગર સામે ફરિયાદ થઈ છે. જેમાં બોટાદ પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી છે.
આજે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે
- ગજુબેન પ્રવિણ બહાદુર
- પિન્ટુ રસિક દેવીપૂજક
- વિનોદ ઉર્ફે ફનટો ભીખા કુમારખાણિયા
- સંજય ભીખા કુમારખાણિયા
- હરેશ કિશન આંબલિયા
- જટુભા લાલુભા
- ભવાન નારાયણ
- નસીબ છના
- રાજુ
- અજિત દિલીપ કુમારખાણિયા
- ભવાન રામુ
- ચમન રસિક
સમીર પટેલ દ્વારા આગોતરા જામીનની તૈયારી
બોટાદ લઠ્ઠાકાંડ મામલે ઍમોઝ કંપનીના માલિકને સમન્સ મોકલાયુ છે. મુખ્ય ડાયરેક્ટર સમીર પટેલને SIT એ સમન્સ મોકલ્યું છે. ત્યારે સમીર પટેલે સમન્સ મળતાં હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સમીર પટેલ સહિતના ભાગીદારોએ આગોતરા જામીન માટે અરજી કરી છે. હાઈકોર્ટમાં આગામી સપ્તાહે સુનાવણી હાથ ધરવામાં આવશે. તે પહેલા બોટાદ લઠ્ઠાકાંડના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે.

લુકઆઉટ નોટિસ જાહેર
SIT ની ટીમ દ્વારા ઍમોઝ કંપનીના ચારેય ડિરેકટરોના ઘરે સર્ચ ઓપરેશન ગઈકાલે શરૂ કર્યુ હતું. ડિરેક્ટર રજીત ચોકસી ઘર બંધ કરી ફરાર થઈ જતા SITની ટીમે ઘર બહાર નોટિસ લગાવી હતી. તો ચારેય ડિરેકટર સામે લુક આઉટ નોટિસ જારી કરવાની કાર્યવાહી શરૂ કરી છે.