નવી દિલ્હીઃ મુંબઈની શ્રદ્ધા વાલકર હત્યાકાંડમાં દિલ્હી પોલીસે આરોપી આફતાબ પૂનાવાલાને વીડિયો કોન્ફરન્સિંગથી સાકેત કોર્ટમાં હાજર કર્યો હતો. કોર્ટે આરોપી આફતાબની પોલીસ કસ્ટડી વધુ ચાર દિવસ માટે વધારી દીધી છે. વિશેષ સુનાવણીમાં આફતાબને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આરોપી આફતાબના પોલીસ રિમાન્ડ આજે પૂરાં થઈ રહ્યાં હતા. કોર્ટમાં આરોપી આફતાબે જજની સામે કબૂલ્યું કે તેને કેમ શ્રદ્ધાની હત્યા કરી હતી. આફતાબે કહ્યું કે હત્યાકાંડને ગુસ્સાને કારણે પાર પાડ્યો હતો.
આરોપી આફતાબ પૂનાવાલાએ કોર્ટને જણાવ્યું કે આ ઘટના ગુસ્સાને કારણે થઈ. આરોપી આફતાબે કોર્ટને એમ પણ કહ્યું કે તે તપાસમાં સહયોગ કરી રહ્યો છે. તેને અદાલતને વધુમાં કહ્યું કે તેને ઘટનાને યાદ કરવામાં ઘણી જ મુશ્કેલી પડી રહી છે.
આરોપી આફતાબે ગુરુગ્રામમાં ફેંક્યા હતા આરી અને બ્લેડ
દેશભરમાં રોષની લાગણી ઊભી કરનાર શ્રદ્ધા હત્યાકાંડનો આરોપી આફતાબે પુરાવાનો સમજી વિચારીને કરવામાં આવતા ષડયંત્ર અંતર્ગત નાશ કર્યો છે. તેને શ્રદ્ધાની લાશના ટુકડા કરવામાં ઉપયોગમાં લીધેલા હથિયારોને એવી રીતે ફેંક્યા છે કે પોલીસ તેને શોધી જ ન શકે.
આરોપીએ આરી તેમજ બ્લેડ ગુરુગ્રામમાં DLFની પાસે જંગલમાં ફેંક્યા હતા. આ ઉપરાંચ ચોપરને તેને છત્તરપુરમાં કચરાના ઢગલામાં ફેંક્યું હતું. બીજી તરફ આફતાબ ગુરુગ્રામ સ્થિત જે કોલ સેન્ટરમાં નોકરી કરતો હતો ત્યાં હવે વર્ક ફ્રોમ હોમ કરી દેવાયું છે.
દક્ષિણ જિલ્લા પોલીસ અધિકારીઓ મજુબ આરોપી આફતાબના નિવેદન મુજબ તેને આરી અને બ્લેડને ગુરુગ્રામમાં ફેંકી હતી. જે બાદ પોલીસ આરોપીને લઈને બે દિવસ સુધી ગુરુગ્રામના જંગલમાં તલાશ કરતી રહી પરંતુ તેઓને કંઈજ મળ્યું નથી. આરોપી શ્રદ્ધાની લાશના ટુકડા કરવા માટે મહરૌલી બજારથી ધારદાર ત્રણ બ્લેડ ખરીદીને લાવ્યો હતો.
ગુરુગ્રામમાં એક-બે દિવસ પછી ફરી તપાસ અભિયાન શરૂ કરાશે. આરોપીએ જણાવ્યું કે તે કોલ સેન્ટરમાં નોકરી કરવા માટે મેટ્રોથી જતો હતો. જે દિવસે તે આરી અને બ્લેડ લઈ ગયો હતો તે દિવસે તેને પ્રાઈવેટ કારમાં લીફ્ટ લઈને ગુરુગ્રામ ગયો હતો.
મહરૌલી-ગુરુગ્રામ રોડ પર પૈસા લઈને લીફ્ટ આપનારી ગાડીઓ મળી રહે છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ છત્તરપુરમાં 100 ફુટ રોડ પર કચરાના મોટા મોટા ડ્રમ રાખવામાં આવ્યા છે. ચોપર તેને આ ડ્રમમાં જ ફેંક્યું હતું. બીજી તરફ આફતાબ જે કોલ સેન્ટરમાં નોકરી કરતો હતો ત્યાં હવે વર્ક ફ્રોમ હોમ કરી દેવાયું છે. કોલ સેન્ટરમાં પોલીસ અનેક વખત ગઈ હતી અને તેની સાથે કામ કરતા લોકો પૂછપરછ પણ કરી હતી. કોલ સેન્ટર પ્રશાસનનું કહેવું છે કે પોલીસ દરરોજ આવે છે, આ કારણે જ સેન્ટરમાં વર્ક ફ્રોમ હોમ કરી દેવાયું છે.
ઘટનાના ખુલાસા માટે સલાહકાર ટીમ બનાવી
શ્રદ્ધા હત્યાકાંડ હાઈ પ્રોફાઈલ કેસ બની ગયો છે. એવામાં પોલીસ આ કેસની તપાસમાં કોઈ જ ખામી છોડવા નથી માગતી. આ વાતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસના ACP રમન લાંબાની દેખરેખ હેઠળ ચાર ઈન્સ્પેક્ટરની સલાહકાર ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ આખા કેસ પર નજર રાખી રહ્યું છે અને મહરૌલી પોલીસને સતત સલાહ આપે છે.
સલાહકાર ટીમની મદદથી આ કેસની દરેક દ્રષ્ટીકોણથી તપાસ કરવામાં આવે છે. ACP રમન લાંબા થોડો સમય પહેલાં સુધી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની IFSOમાં તહેનાત હતા. હાલમાં તેમની બદલી દ્વારકા જિલ્લામાં કરાઈ છે. તેમને શ્રદ્ધા હત્યાકાંડમાં સલાહ આપવા માટે દક્ષિણ જિલ્લા બોલાવવામાં આવ્યા છે.
શ્રદ્ધાના હાડકાંનું થશે પોસ્ટમોર્ટમ
દક્ષિણ જિલ્લા પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, શ્રદ્ધા હત્યાકાંડમાં ઘણી જ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે છે. છત્તરપુરના જંગલમાંથી મળેલા હાડકાંની તપાસથી તે સામે આવ્યું છે કે આ કોઈ મનુષ્યના જ હાડકાં છે. એવામાં પોલીસ અધિકારીઓનું કહેવું છે કે શ્રદ્ધાના મૃતદેહના તમામ ટુકડા મળી જશે તો તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સલાહકાર ટીમે પોસ્ટમોર્ટમ કરવાની વાત કરી છે.